શિકાગોમાં તેલુગુ વિદ્યાર્થી દેવાશિષની લૂંટારાઓના હાથે હત્યા

10 દિવસ અગાઉ શિકાગો પહોંચેલા ત્રણ વિદ્યાર્થી પર હુમલો

Tuesday 31st January 2023 08:38 EST
 
 

શિકાગોઃ ઉચ્ચ શિક્ષણ મેળવવા 10 દિવસ અગાઉ જ યુએસમાં પહોંચેલા ત્રણ તેલુગુ વિદ્યાર્થીઓએ મોતની ભયાનકતાનો સામનો કરવો પડ્યો છે. ઈલિનોઈ સ્ટેટના શિકાગો સિટીમાં સશસ્ત્ર લૂંટારુઓએ કરેલા હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત બે વિદ્યાર્થીમાંથી એક 23 વર્ષીય વિદ્યાર્થી એન. દેવાશિષનું મોત નીપજ્યું હતું જ્યારે 22 વર્ષીય કે. સાઈ ચરણ હાલ સારવાર હેઠળ છે. લક્ષ્મણ કોઈ ઈજા વિના નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

તૈલંગણા રાજ્યના હૈદરાબાદના એન. દેવાશિષ, કે. સાઈ ચરણ અને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના લક્ષ્મણ આશરે 13 જાન્યુઆરીએ શિકાગો પહોંચ્યા હતા અને શિકાગોની ગવર્નર્સ સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર્સ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો. 22 જાન્યુઆરીની સાંજે આ ત્રણ વિદ્યાર્થી પાર્કિંગ લોટમાં હતા ત્યારે બે સશસ્ત્ર આફ્રો-અમેરિકન્સે તેમને આંતર્યા હતા. વિદ્યાર્થીઓએ તેમની પાસે જે હતું તે આ લૂંટારુને આપી દીધાં પછી પણ તેમણે ગોળીઓ ચલાવી હતી. લક્ષ્મણ કોઈ ઈજા વિના નાસી છૂટવામાં સફળ રહ્યો હતો પરંતુ, એન. દેવાશિષ અને કે. સાઈ ચરણ ગંભીરપણે ઘવાયા હતા. તેલુગુ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા (TANA)ના પ્રતિનિધિઓ ત્યાં પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીઓને જરૂરી સપોર્ટ પૂરો પાડ્યો હતો.

સારવાર દરમિયાન દેવાશિષનું મોત નીપજ્યું હતું જ્યારે સાઈ ચરણની હાલત સ્થિર હોવાનું પણ TANAના પ્રતિનિધિએ જણાવ્યું હતું. લક્ષ્મણની પણ ભાળ મેળવી લેવાઈ છે. દેવાશિષના પિતા યુએસમાં કામ કરે છે. દેવાશિષના મૃતદેહને ભારત મોકલવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. દરમિયાન, ભારતીય દૂતાવાસના પ્રતિનિધિઓએ હોસ્પિટલમાં સાઈ ચરણની મુલાકાત લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter