શ્રેય પરીખઃ 2026 નેશનલ સ્પેલિંગ બી ચેમ્પિયન

Tuesday 02nd June 2026 12:33 EDT
 
 

વોશિંગ્ટન: કેલિફોર્નિયામાં વસતા 14 વર્ષના ભારતીય-અમેરિકી વિદ્યાર્થી શ્રેય પરીખે 2026 સ્ક્રીપ્સ નેશનલ સ્પેલીંગ બીમાં નેવું સેકન્ડના તીવ્ર સ્પેલ-ઓફ રાઉન્ડ પછી શાનદાર વિજય મેળવીને ઇતિહાસ રચ્યો છે. આઠમા ગ્રેડમાં ભણતા શ્રેયે ફાઇનલ મુકાબલામાં ન્યૂ જર્સીના 12 વર્ષીય ઈશાન ગુપ્તાને હરાવીને આ સિદ્ધિ મેળવી છે. શ્રેયે વિજયી શબ્દ ‘બ્રોમોક્રિપ્ટિન’ સહિત 35માંથી 32 શબ્દોના સાચા સ્પેલિંગ કર્યા હતા. આ જ સ્પર્ધામાં જ્યોર્જિયાના સર્વ ધરાવનેએ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્પર્ધાના ત્રણેય ટોપ-થ્રી સ્પર્ધક ભારતવંશ હતા.
સ્પર્ધાના નિર્ણાયક સ્પેલ-ઓફ રાઉન્ડમાં શ્રેય અને ઈશાનને 90 સેકન્ડની અંદર વધુમાં વધુ શબ્દોના સાચા સ્પેલિંગ જણાવવાની તક મળી હતી. શ્રેયે 90 સેકન્ડમાં 32 શબ્દોના સાચા સ્પેલિંગ જણાવ્યા હતા, જ્યારે ઈશાન 25 શબ્દોના જ સાચા સ્પેલિંગ જણાવી શક્યો હતો. આ દેખાવના આધારે શ્રેયને વિજેતા જાહેર કરાયો હતો. શ્રેય પરીખ આ અગાઉ વર્ષ 2022 સ્ક્રિપ્સ સ્પેલિંગ બીમાં 89મા સ્થાને રહ્યો હતો.
શ્રેયે પરીખે આ વિજય સાથે 2024માં 29 શબ્દોના સાચા સ્પેલિંગ કરનાર બૃહત સોમાનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. પોતાના વિજય પછી આત્મવિશ્વાસથી છલકતા શ્રેયએ જણાવ્યું કે તે દરરોજ નિયમિત ઝડપથી સ્પેલીંગની પ્રેક્ટિસ કરતો હતો. પ્રતિષ્ઠિત સ્ક્રીપ્સ કપ અને કોમેમોરેટિવ મેડલ સહિત શ્રેયને 50 હજાર ડોલરના મૂલ્યના ઈનામો તેમજ અનેક વધારાના એવોર્ડ મળ્યા હતા.
ફાઇનલ રાઉન્ડમાં 9માંથી
5 સ્પર્ધક ભારતવંશી
વોશિંગ્ટનમાં ડીએઆર કોન્સ્ટિટ્યુશનલ હોલ ખાતે યોજાયેલ ત્રણ દિવસની સ્પર્ધામાં અમેરિકા સહિત અનેક દેશોના 247 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. માત્ર નવ સ્પર્ધકો અંતિમ રાઉન્ડ સુધી પહોંચી શક્યા જેમાંથી પાંચ ભારતીય મૂળના હતા, જે બાબત આ સ્પર્ધામાં ભારતીય સમુદાયના સતત પ્રભાવને ઉજાગર કરે છે.
શ્રેયને સ્પેલિંગ ઉપરાંત ટેનિસ, ચેસ, વાંચન અને ગણિતમાં પણ રસ છે. તે એક કુશળ તાલવાદક પણ છે. આ ઉપરાંત તે તાજેતરમાં જ કેલિફોર્નિયા સ્ટેટ ગણિત સ્પર્ધા માટે પણ ક્વોલિફાય થયો હતો. ઉલ્લેખનીય છે કે 1985માં ભારતીય મૂળનો બાલુ નટરાજન પ્રથમ વિજેતા બન્યો ત્યારથી ભારતીય મૂળના વિદ્યાર્થીઓ સતત સ્પેલીંગ બીમાં શાનદાર દેખાવ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter