સંકટગ્રસ્ત વિશ્વમાં ઉજ્જવળ ભવિષ્ય માટે ભારત જ આશાનું કિરણઃ બિલ ગેટ્સ

Sunday 05th March 2023 05:17 EST
 
 

સાન ફ્રાન્સિસ્કોઃ વિશ્વનાં ટોચના બિલિયોનેર અને માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સે ભારતનાં આર્થિક અને સામાજિક વિકાસની ઝડપ જોયા પછી કહ્યું છે કે, સંકટગ્રસ્ત વિશ્વમાં ઉજ્જવળ ભવિષ્ય માટે ભારત જ આશાનું કિરણ છે. ભારતે મોટા પડકારોનો સામનો કરવા દેશ સક્ષમ છે તેવું પુરવાર કર્યું છે. ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવાનો છે. આવા સંજોગોમાં મોટા પાયે પબ્લિક સાથે કામ લીધા વિના મોટાભાગની સમસ્યાઓથી રાહત મેળવી શકાય નહીં.
ભારત મોટામાં મોટી સમસ્યાઓ ઉકેલવામાં સફળ
બિલ ગેટ્સે તેમના બ્લોગ ‘ગેટ્સ નોટ્સ’માં લખ્યું છે કે આખું વિશ્વ જ્યારે અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે ત્યારે ભારત મોટામાં મોટી સમસ્યાઓને એક જ ઝાટકે ઉકેલવામાં સફળ રહ્યું છે. અનેક નવીનતાઓ તેમજ વિતરણ માધ્યમો સાથે વિશ્વ અનેક મોટી સમસ્યાઓ ઉકેલવાનાં મામલે પ્રગતિ કરવામાં સક્ષમ છે. વિશ્વ અનેક સમસ્યાઓથી પિડાઈ રહ્યું છે જેને ઉકેલવા માટે વિશ્વનાં અનેક દેશો પાસે સમય કે પૈસા નથી ત્યારે ભારતે જે પ્રગતિ હાંસલ કરી છે તે પ્રશંસાને પાત્ર છે.
ભારતની અનેક સિદ્ધિઓ
ભારતે અનેક પ્રતિકુળતાઓ વચ્ચે આશાનું કિરણ દર્શાવ્યું છે. અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણે પોલિયો નાબૂદ કર્યો છે. એચઆઇવી સંક્રમણ ઘટાડ્યું છે, ગરીબીમાં ઘટાડો કર્યો છે. બાળ મૃત્યુદર ઘટાડ્યો છે. સ્વચ્છતા અને નાણાકીય સેવાઓ જન જન સુધી પહોંચાડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter