સગીરાનાં જાતીય શોષણ બદલ ભારતીયને ૩૦ વર્ષની જેલ

Thursday 18th April 2019 04:26 EDT
 

ન્યૂ યોર્કઃ અમેરિકામાં ૪૧ વર્ષીય દીપક દેશપાંડેને સગીરાના યૌનશોષણ તથા ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપમાં આજીવન કેદની સજા થઈ છે. કેલિફોર્નિયામાં રહેતા દીપકે તાજેતરમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. દીપકને ૩૦ વર્ષની કેદની સજા થઈ છે. અમેરિકાના જિલ્લા ન્યાયાધીશ કાર્લોસ મેંડોજાએ આરોપીને સજા સંભળાવી હતી. સુનાવણી દરમિયાન ઉપસ્થિત સાક્ષીઓ અને અદાલતી દસ્તાવેજો મુજબ દીપક ૨૦૧૭ની સાલમાં ઓનલાઈન ચેટના માધ્યમથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો. તે સમયે તેણે સગીરાને પોતે મોડેલિંગ એજન્ટ છે તેવી ઓળખ આપી હતી અને તેની નગ્ન તસવીરો માગી હતી.

થોડા સમય બાદ દીપકે બે અલગ-અલગ આઈડીની મદદથી તે સગીરાનો સંપર્ક સાધ્યો હતો અને જો તે ચાઈલ્ડ પોર્નોગ્રાફીમાં મદદ નહીં કરે તો તેની નગ્ન તસવીરો સાર્વજનિક કરી દેશે તેવી ધમકી આપી હતી.

સપ્ટેમ્બર ૨૦૧૭માં દીપક તે સગીરાને મળવા માટે પ્રથમ વખત ફ્લોરિડાના ઓરલેંડો ગયો હતો. ત્યાંની એક સ્થાનિક હોટેલમાં તેણે સગીરાનું યૌનશોષણ કર્યું હતું અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. ત્યાર બાદ સપ્ટેમ્બર ૨૦૧૭થી એપ્રિલ ૨૦૧૮ સુધીમાં તે ચાર વખત ઓરલેંડો ગયો હતો અને સગીરાનું યૌનશોષણ કરીને વધારે વીડિયો તૈયાર કર્યાં હતાં.

૨૦૧૮ના મે મહિનામાં એફબીઆઈને આ અંગે એક ગુપ્ત માહિતી મળી હતી અને તેમણે દીપક વિરુદ્ધ તપાસ આરંભી હતી. એફબીઆઈના એક અંડર કવર એજન્ટે સગીરા તરીકે દીપકનો સંપર્ક સાધ્યો હતો અને દીપક તેને મળવા માટે ઓરલૈંડો પહોંચ્યો ત્યારે ઓરલૈંડોના આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter