સાડી પહેરતી 14 હિન્દુ મહિલાઓ પર હુમલો કરનારો ઝડપાયો

Sunday 16th October 2022 12:48 EDT
 
 

સાન ફ્રાન્સિસ્કો: અમેરિકાના કેલિફોર્નિયામાં સાડી પહેરતી ઓછામાં ઓછી 14 હિન્દુ મહિલાઓ ઉપર હુમલો કરનારો શખસ ઝડપાયો છે. જૂનથી શરૂ થયેલા હુમલાના આ સિલસિલામાં આરોપી મહિલાઓ પર હુમલો કરીને તેમના દાગીના ખેંચીને નાસી છૂટતો હતો. સેન્ટા ક્લેરા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસ અનુસાર ૩૭ વર્ષના લાથન જ્હોન્સને છેલ્લા બે મહિનામાં આચરેલા અપરાધોમાં સાડી પહેરનારી હિંદુ મહિલાઓને ટાર્ગેટ કરી હતી અને ગળામાંથી નેકલેસ ખેંચી લીધા હતાં.
સ્થાનિક રહેવાસીના જણાવ્યા અનુસાર જ્હોન્સન મહિલાના ગળામાંથી નેકલેસ ખેંચી વાહન પર ભાગી છૂટતો હતો. આવી ઘટનાઓમાં મહિલાઓને ઇજા પણ થઈ હતી. ખાસ કરીને તે 50થી 73 વર્ષના વયજૂથની મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. જ્હોન્સન પર મહિલાઓના ગળામાંથી બળજબરીપૂર્વક દાગીના ખેંચી લેવાનો આરોપ છે. આવી જ અન્ય એક ઘટનામાં તેણે એક મહિલાને ધક્કો મારી નીચે પછાડતા પહેલાં તેના પતિના ચહેરા પર મુક્કો માર્યો હતો. આ પછી તે મહિલાના ગળામાંથી નેકલેસ ખેંચીને કારમાં નાસી છૂટ્યો હતો. આવા જ એક અન્ય હુમલામાં મહિલાનું કાંડું તૂટી ગયું હતું. સેન્ટા ક્લેરા પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમેરિકન માર્શલની ઓફિસ દ્વારા જ્હોન્સનની પૂછપરછ કરવામાં આવી હતી. મિલીપિતાસ પોલીસે સૌથી પહેલાં જ્હોન્સન આ ગુનામાં સંકળાયેલો હોવાનું શોધી કાઢ્યું હતું.
જ્હોન્સન દોષિત પુરવાર થશે તો તેને મહત્તમ 63 વર્ષની સજા થશે. કેસની આગામી સુનાવણી ચોથી નવેમ્બરના રોજ કરાશે. જ્હોન્સને ચોરેલા નેકલેસની કિંમત અંદાજે 35,000 ડોલર થાય છે. હુમલા વેળા તમામ મહિલાઓએ સાડી પહેરી હતી, ચાંલ્લો કર્યો હતો. જૂનથી શરૂ થયેલી મોટા ભાગની ઘટનાઓ સેન હોઝે, મિલ્પિટાસ, સનીવેલ અને સેન્ટા ક્લેરામાં થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter