હ્યુસ્ટન: ટેક્સાસમાં બે સિટી કાઉન્સિલ સુગરલેન્ડ અને સાન એન્ટોનિયોમાં યોજાયેલી ચૂંટણીમાં સંજય સિંઘલ અને સુખ કૌરે વિજયી બની અમેરિકન રાજકારણમાં ઇન્ડિયન ડાયાસ્પોરાનું મહત્વ વધાર્યું છે. હ્યુસ્ટનના ઉપનગર સુગરલેન્ડમાં જ્યાં ભારતીય મૂળના લોકોની મોટી વસ્તી છે ત્યાં મેયર તરીકે કેરોલ મેકકુચિયોન ચૂંટાઈ આવ્યાં હતાં. ટેક્સાસ રાજ્યમાં, સુગરલેન્ડના ડિસ્ટ્રિક્ટ ટુમાં આઇઆઇટી દિલ્હીમાં ભણેલાં સંજય સિંઘલે તેમના નજીકના પ્રતિસ્પર્ધી નાસિર હુસૈનને જંગી સરસાઈ મેળવી હરાવ્યા હતા. સિંઘલ 30 કરતાં વધારે વર્ષથી સુગરલેન્ડમાં પત્ની, બે પુત્રો તથા પુત્રવધૂઓ સાથે રહે છે. સિંઘલ ઉર્જા ક્ષેત્રમાં યશસ્વી કારકિર્દી બાદ નિવૃત્ત જીવન જીવે છે. સાન એન્ટોનિયોમાં શીખ અમેરિકન સુખ કૌરે તેમના ડિસ્ટ્રિક્ટ વન કાઉન્સિલની સીટ જાળવી હતી. નોન પ્રોફિટ સંસ્થામાં કામ કરતાં સુખ કૌર સાન અન્ટોનિયોમાં તેના પતિ અને બે સંતાનો સાથે રહે છે. સુખ કૌરે પરવડે તેવા ઘરો, સલામત નેબરહૂડ અને બહેતર પરિવહન વ્યવસ્થાના મુદ્દે ચૂંટણી લડી વિજયી બન્યા હતા.