લંડનઃ માર્ચ મહિનામાં લંડનમાં ભારતીય હાઇકમિશન પર ખાલિસ્તાની અલગતાવાદીઓના હુમલા બાદ હવે અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કો ખાતે આવેલા ભારતીય કોન્સ્યુલેટ પર બીજી જુલાઇના રોજ ખાલિસ્તાનીઓ દ્વારા હુમલો કરાયો હતો. માર્ચ મહિનામાં ભારતના પંજાબમાં પોલીસે અમૃતપાલસિંહ અને તેના સાથીઓ સામે સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે પણ આ કોન્સ્યુલેટ પર ખાલિસ્તાનીઓ દ્વારા હુમલો કરાયો હતો.
ખાલિસ્તાની અલગતાવાદીઓના ટોળાએ ભારતીય કોન્સ્યુલેટને આગ ચાંપી દીધી હતી પરંતુ સાન ફ્રાન્સિસ્કો ફાયર ડિપાર્ટમેન્ટની ત્વરિત કામગીરીના પગલે આગને તાત્કાલિક કાબૂમાં લેવાઇ હતી જેના કારણે વધુ નુકસાન થતું અટકી ગયું હતું. ફાયર ડિપાર્ટમેન્ટની ઝડપી કામગીરીને પગલે કોન્સ્યુલેટના કોઇ કર્મચારીને પણ ઇજા પહોંચી નહોતી.
ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરતા કોન્સ્યુલેટમાં ઘૂસી આવેલા અલગતાવાદીઓએ કોન્સ્યુલેટમાં ખાલિસ્તાનના ઝંડા ફરકાવી દીધાં હતાં. તેમણે કોન્સ્યુલેટના દરવાજા અને બારીઓની લોખંડના સળિયા વડે તોડફોડ કરી હતી.
ખાલિસ્તાનના સમર્થકો દ્વારા બીજી જુલાઇએ કરાયેલા આ હુમલાનો વીડિયો ટ્વિટર પર પણ જારી કરાયો હતો. વીડિયોમાં જણાવવામાં આવ્યું હતું કે, હિંસા જ હિંસાને જન્મ આપે છે. તેમાં કેનેડા સ્થિત ખાલિસ્તાન ટાઇગર ફોર્સના આતંકવાદી હરદીપસિંગ નિજ્જરની હત્યાના અહેવાલ પણ પોસ્ટ કરાયાં હતાં. નિજ્જર ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો અને ભારત સરકારે તેના માથા પર રૂપિયા 10 લાખનું ઇનામ જાહેર કરી રાખ્યું હતું. ગયા મહિને કેનેડાના સરી ખાતે ગુરુદ્વારાની બહાર કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેની ગોળી મારીને હત્યા કરી હતી.
કોન્સ્યુલેટને આગચંપીની ઘટનાની ઉગ્ર નિંદા કરતા અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમેરિકા આ હુમલાની આકરી નિંદા કરે છે. અમેરિકામાં રાજદ્વારી સંસ્થાનો અને વિદેશી રાજદ્વારીઓ પર હુમલા ફોજદારી અપરાધ છે.
કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા ભારતીય રાજદ્વારીઓને ધમકી
કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા 8મી જુલાઇએ ભારતીય મિશનો પર રેલીઓ યોજવાનું એલાન કરાયું છે. તે પહેલાં રેલી અને દેખાવો માટે ઓનલાઇન પોસ્ટમાં ભારતીય રાજદ્વારીઓના નામ સાથે ધમકીઓ ઉચ્ચારવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા પોસ્ટરોમાં કિલ ઇન્ડિયાના નારા અને ભારતીય હાઇકમિશ્નર સંજયકુમાર વર્મા, ટોરોન્ટો ખાતેના કોન્સુલ જનરલ અપૂર્વ શ્રીવાસ્તવ, વાનકુંવરના ભારતીય કોન્સુલ જનરલ મનીષના ફોટો પણ પોસ્ટ કરાયાં છે. ભારત સરકારે આ પ્રકારની ખાલિસ્તાની પ્રવૃત્તિઓ સામે કેનેડા સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વિદેશમંત્રી એસ.જયશંકરે કેનેડાને જણાવ્યું છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વિપક્ષીય સંબંધો માટે હાનિકારક પૂરવાર થઇ શકે છે.