સિએટલમાં ભારતીય સ્ટુડન્ટ જ્હાન્વી કંડુલાનાં મોત મામલે ભારે આક્રોશ

Tuesday 19th September 2023 12:32 EDT
 
 

વોશિંગ્ટન, સિએટલઃ અમેરિકાના સિએટલમાં ભારતીય સ્ટુડન્ટ જ્હાન્વી કંડુલાના મોતની ઘટનાને લઇને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બાઇડેન સરકારે આ મામલે ત્વરિત કાર્યવાહી અને ઝડપી તપાસની ભારત સરકારને ખાતરી આપી છે. 23 વર્ષની જ્હાન્વીનું ગત 23 જાન્યુઆરીએ પૂરપાટ ઝડપે આવતી પોલીસ કારની ટક્કરથી મોત થયું હતું. કાર ચલાવી રહેલો પોલીસ ઓફિસર કેવિન ડેવ માદક પદાર્થના ઓવરડોઝ સાથે કાર ડ્રાઇવ કરી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. તેને કડક સજાની માગ અમેરિકામાં જોર પકડી રહી છે. તે કલાકના 119 કિમીથી પણ વધુ ઝડપે કાર ચલાવી રહ્યો હતો. કારની ટક્કરથી જ્હાન્વી 100 ફૂટ દૂર પડી હતી. તે નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટીના સિએટલ કેમ્પસમાં ઇન્ફર્મેશન સિસ્ટમ્સમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહી હતી.

અમેરિકા ખાતેના ભારતીય રાજદૂત તરનજીતસિંઘ સંધુએ વોશિંગ્ટનમાં સર્વોચ્ચ સ્તરે આ મામલો ઉઠાવ્યા બાદ અમેરિકી સરકાર હરકતમાં આવી હતી. જ્હાન્વીના મોત અને ત્યાર બાદ સિએટલમાં પોલીસ ઓફિસરના બિનસંવેદનશીલ વર્તન મામલે સંધુએ ત્વરિત કાર્યવાહીની માગ કરી હતી. બાઇડેન સરકારના વરિષ્ઠ અધિકારીઓએ તેમને અને ભારત સરકારને ખાતરી આપી હતી કે તેઓ આ બનાવને ખૂબ ગંભીરતાથી લઇ રહ્યા છે અને તેની તપાસ પર વોશિંગ્ટનથી નજર રાખી રહ્યા છે.

‘એક ચેક આપીશું એટલે વાત પૂરી’

સિએટલ પોલીસ ડિપાર્ટમેન્ટે સોમવારે રજૂ કરેલા એક બોડીકેમ ફૂટેજમાં ડેનિયલ ઓડે નામનો એક પોલીસ ઓફિસર જ્હાન્વીના મોત પર હસતો અને જ્હાન્વીના જીવનનું કોઇ મૂલ્ય ન હોવાનું કહેતો દેખાય છે. અકસ્માતની તપાસ કરી રહેલાં અધિકારીએ ભારતીય વિદ્યાર્થિનીના મોત અંગે હાંસી ઉડાવીને વ્યંગ તો કર્યો જ હતો, પરંતુ યુવતીના મોતના વળતરના મુદ્દે પણ અસંવેદનશીલ નિવેદન આપે છે. ફોનમાં એ ઉપરી અધિકારીને કહે છે કે એની ઉંમર ખાસ વધારે ન હતી, એક ચેક આપવાથી વાત પૂરી થઈ જશે. આ મુદ્દાને પૂરો કરવા માટે સરકારે એના પરિવારને 11,000 ડોલરનો એક ચેક આપવો પડશે.
મેયરે માફી માગી
જહાન્વી માટે ન્યાયની માગ કરતા સાઉથ એશિયન સમુદાયના સભ્યોએ રવિવારે રેલી યોજી હતી અને સિએટલના મેયર તથા પોલીસ અધિકારીઓને મળ્યા હતાં. સાઉથ એશિયન સમુદાયના સંગઠનોના પ્રતિનિધિઓ અને નેતાઓએ સિએટલના મેયર બ્રુસ હેરેલ, પોલીસ વડા એડ્રિઅન ડાયેઝ અન શહેરના અન્ય નેતાઓને મળ્યા હતાં. મેયર હેરેલે જણાવ્યું હતું કે શહેરની સરકાર અને સમુદાય વચ્ચેના વિશ્વાસને કારણે અસરકારક પબ્લિક સેફ્ટીનું નિર્માણ થાય છે. મેયરે આ ઘટના બદલ દુઃખની લાગણી વ્યક્ત કરીને ભારતીય સમુદાય અને પીડિતાના પરિવારની માફી માગી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter