સિનેમેટોગ્રાફર આન્દ્રીજ પારેખને બેસ્ટ ડિરેક્ટરનો એમી એવોર્ડ...

Wednesday 23rd September 2020 06:03 EDT
 
 

લોસ એન્જેલસ: ગુજરાતમાં મૂળિયા ધરાવતા અમેરિકન ડિરેક્ટર-સિનેમેટોગ્રાફર આન્દ્રીજ પારેખને બેસ્ટ ડિરેક્શન માટે પ્રતિષ્ઠિત એમી એવોર્ડ એનાયત થયો છે. તેમને આ એવોર્ડ એચબીઓ ચેનલ પર પ્રસારિત થતી સિરિઝ ‘સક્સેશન’ના દિગ્દર્શન માટે અપાયો હતો. ઓસ્કર જેવી પ્રતિષ્ઠા ધરાવતો એમી એવોર્ડ અમેરિકાની ટીવી ઈન્ડસ્ટ્રીઝનો સર્વોચ્ચ એવોર્ડ છે. આ વખતે એમી એવોર્ડ સમારોહ વર્ચ્યુઅલ ઓનલાઈન યોજાયો હતો. આન્દ્રીજ પારેખ ‘હાફ બેસન’, ‘સુગર’, ‘બ્લુ વેલેન્ટાઈન’, ‘ધ ઝૂ-કીપર્સ વાઈફ’, ‘મેડમ બોવારી’ વગેરે અનેક ટીવી શો માટે કરી ચૂક્યા છે. આન્દ્રીજનો જન્મ અને ઉછેર અમેરિકાના બોસ્ટનમાં થયો છે, પરંતુ તેમનો પરિવાર ગુજરાતમાં અને યુક્રેનમાં મૂળિયા ધરાવે છે. તેમના પિતા પ્રવીણ પારેખ ગુજરાતી છે, જ્યારે માતા લેસીઆ યુક્રેનના છે.

‘ગુજરાતી લોહીથી બિઝનેસની આવડત’

અગાઉ એક ઈન્ટરવ્યુમાં પોતાના આ મૂળિયા અંગે આન્દ્રીજ પારેખે કહ્યું હતું કે ગુજરાતી લોહી મને બિઝનેસની આવડત આપે છે તો યુક્રેનિયન કનેક્શન મને સંવેદના આપે છે. હું ફિલ્મસર્જન વખતે તેનો સર્વોત્તમ ઉપયોગ કરી શકું છું.’
આન્દ્રીજે ફ્રેન્ચ-અમેરિકન ડિરેક્ટર સોફી બાર્થેસ સાથે લગ્ન કર્યાં છે. તેમણે ‘સક્સેશન’ સિરિઝના ત્રણ એપિસોડ ડિરેક્ટ કર્યા છે. તેમણે જુદા જુદા ટીવી શોના દિગ્દર્શન ઉપરાંત કેટલીક શોર્ટ ફિલ્મ્સનું નિર્માણ પણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના મહામારીને કારણે ૭૨મો એમી એવોર્ડ ઓનલાઈન યોજવામાં આવ્યો હતો. ટીવી-ફિલ્મ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ આન્દ્રીજ પારેખને ભૂતકાળમાં પણ અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત થઇ ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter