વોશિંગ્ટન: અમેરિકાની સ્કૂલોમાં હિન્દીને વિશ્વભાષા તરીકે ભણાવવાનો નિર્ણય લેવાયો છે. સિલિકોન વેલી તરીકે જાણીતા અમેરિકન રાજ્ય કેલિફોર્નિયામાં બે સરકારી સ્કૂલોમાં હિન્દી ભાષા ભણાવવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અહીં રહેતા લોકો પોતાનાં બાળકોને હિન્દી ભણાવવાની માગણી કરી રહ્યા હતા. કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં ભારતીય અમેરિકનોની સંખ્યા સૌથી વધુ છે, તે જોતાં બે સરકારી સ્કૂલમાં હિન્દીને વૈકલ્પિક વિષય તરીકે ભણાવવાના નિર્ણયને સારો આવકાર મળી રહ્યો છે.
ફ્રેમોન્ટ યુનિફાઈડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ બોર્ડે હિન્દીના અભ્યાસ માટે પાઇલટ પ્રોગ્રામ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તે માટે 17 જાન્યુઆરીએ 4-1 વોટથી મતદાન કરાયું હતું. ઓગસ્ટમાં શરૂ થનારા 2024-25 સત્રમાં હોર્નર મિડલ સ્કૂલ અને ઇરવિંગ્ટન હાઈસ્કૂલના અભ્યાસક્રમમાં હિન્દીને સામેલ કરાશે. હોર્નર મિડસ સ્કૂલ અને ઈરવિંગ્ટન હાઈસ્કૂલનાં 65 ટકા વિદ્યાર્થીઓ ભારતીય અમેરિકન છે. આખા જિલ્લામાં કુલ 29 પ્રાથમિક, પાંચ માધ્યમિક અને પાંચ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયો છે.