સીએટલમાં સ્વામી વિવેકાનંદની પ્રથમ પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત

Sunday 19th April 2026 07:23 EDT
 
 

ન્યૂયોર્ક: અમેરિકાના સીએટલ ખાતે ભારતના દાર્શનિક અને આધ્યાત્મિક ગુરૂ વિવેકાનંદની પુરા કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ સંપન્ન થયું. અમેરિકામાં કોઇ શહેરના સત્તાવાળાઓ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્થપાઇ હોવાની આ પ્રથમ ઘટના છે. મોટેભાગે કોઇક સમુહ કે સંગઠન શહેર મધ્યે આવી પ્રતિમા મુકતા હોય છે.
ભારતીય શિલ્પકાર નરેશ કુમાર કુમાવતે બનાવેલી આ કાંસ્ય પ્રતિમાનું અનાવરણ સીએટલનાં મેયર કેટી વિલસન તેમજ ભારતના કોન્સલ જનરલ પ્રકાશ ગુપ્તા દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું. અધિકારીઓએ આ સ્થાપનાને વિવેકાનંદની ચિરસ્થાયી વિરાસત પ્રતિ એક શ્રદ્ધાંજલિ તરીકે ગણાવ્યું, જે તેમના 1893ના ઐતિહાસિક શિકાગો ભાષણને સીએટલના શહેરી પરિપ્રેક્ષ્યમાં આધુનિક યુગની સાંસ્કૃતિક ઉપસ્થિતિ સાથે જોડે છે.
આ સ્મારક ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (આઈસીસીઆર) દ્વારા સીએટલની બહુસાંસ્કૃતિક ભાવનાને સન્માનિત કરવા માટે ભેટ કરાયું છે અને આઈસીસીઆરના સ્થારપના દિને જ તેનું અનાવરણ કરાયું હતું. આ પહેલ ભારતના વ્યાપક સાંસ્કૃતિક કૂટનીતિક પ્રયાસોનો એક હિસ્સો છે, જેનો હેતુ ભારત અને અમેરિકાના પેસિફિક ઉત્તર-પશ્ચિમી ક્ષેત્ર વચ્ચે સંબંધોને મજબૂત કરવાનો તેમજ લોકો વચ્ચે સંબંધને વધુ ગાઢ બનાવવા પ્રોત્સાહન આપવાનો છે.
લોકોની અવરજવર વધુ હોય તેવા મુખ્ય સ્થળોની નજીક વ્યૂહાત્મક સ્થળે આ પ્રતિમા સ્થપાઇ હોવાથી છે. આ સમારંભમાં સ્થાનિક નેતાઓ તેમજ ભારતીય-અમેરિકી સમુદાયે ભાગ લીધો હતો. વિશ્વ ધર્મ સંસદમાં વિવેકાનંદનું ઐતિહાસિક ભાષણ આજે પણ લોકોને પ્રેરિત કરે છે, અને આ પ્રતિમા એકતા, આધ્યાત્મિકતા અને વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચેની પારસ્પરિક સમજદારીના તેમના સંદેશને વધુ સુદ્રઢ બનાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter