સુરતી મહિલા જાગૃતિ પાનવાલા AAHOAના પ્રથમ વુમન ઓફિસર બન્યા

Tuesday 26th April 2016 06:12 EDT
 
 

પેન્સિલવેનિયાઃ સુરતી જાગૃતિ પાનવાલાએ એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA)ના પ્રથમ વુમન ઓફિસર તરીકે ચૂંટાઇને તાજેતરમાં ઇતિહાસ સર્જ્યો છે. ટેનેસીના નેશવિલે ખાતે આયોજિત AAHOA કન્વેન્શન એન્ડ ટ્રેડ શોના છેલ્લા દિવસે ચૂંટણીમાં જાગૃતિ પાનવાલા વિજેતા બન્યાં હતાં. તેઓ AAHOAમાં સેક્રેટરી, ટ્રેઝરર અને વાઇસ-ચેરમેન તરીકે એક-એક વર્ષની ટર્મ પૂરી કર્યા પછી એક વર્ષ માટે AAHOAના ચેરમેન બનશે. સુરતમાં જન્મેલા જાગૃતિ તેમના પતિ અને બે બાળકો સાથે પેન્સિલવેનિયામાં રહે છે. તેઓ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ Wealth Protection Strategiesના પ્રેસિડેન્ટ અને સીઇઓ પણ છે.

AAHOAમાં ઓફિસરના હોદ્દા માટેની ચૂંટણીમાં સુનિલ પટેલ (ટેનેસી) અને પ્રતીક ભક્તા (નોર્થ કેરોલિના)નો પણ સમાવેશ થતો હતો. જોકે, જાગૃતિએ ૫૭ ટકા વોટ મેળવીને જીત હાંસલ કરી હતી. જાગૃતિ AAHOAમાં એક દાયકાથી પણ વધુ સમયથી સક્રિય છે અને ૨૦૧૧માં ફિમેલ ડાયરેક્ટર એટ લાર્જ (ઇસ્ટર્ન ડિવિઝન) ચૂંટાયા હતા ત્યારથી વિવિધ લિડરશિપ પોઝિશન્સ તેઓ સંભાળી રહ્યા છે. તેઓ પાંચ વર્ષ માટે વિમેન્સ હોટેલિયર કમિટીનાં ચેરપર્સન પણ રહી ચૂક્યાં છે તથા સ્ટ્રેટેજિક પ્લાનિંગ કમિટીમાં પણ બે વર્ષ કામ કરી ચૂક્યાં છે. ૨૦૧૧માં તેઓ પ્રતિષ્ઠિત Chairman’s Award of Excellenceથી સન્માનિત થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter