સેન્ડી હૂક માસ શૂટિંગ ફેક હોવાની અફવા ફેલાવનારને રૂ. 96.50 કરોડ ડોલરનો દંડ

Friday 21st October 2022 06:01 EDT
 
 

કનેટિકટ: યુએસના કનેક્ટિકટમાં સેન્ડી હૂક એલીમેન્ટરી સ્કૂલમાં ડિસેમ્બર 2012માં બનેલી માસ શૂટઆઉટની ઘટના ફેક હોવાની અફવા ફેલાવનાર એલેક્સ જ્હોન્સને કનેક્ટિકટ કોર્ટે અધધધ 96.50 કરોડ ડોલર (અંદાજે રૂ. 7946 કરોડ)નો દંડ કર્યો છે. દંડની આ રકમ શૂટઆઉટના મૃતકોના પરિવારનો વળતર પેટે ચૂકવવા પણ કોર્ટે આદેશમાં જણાવ્યું છે. જ્હોન્સે એવી અફવા ફેલાવી હતી કે, સેન્ડી હૂક માસ શૂટિંગની ઘટના ફેક હતી. તેમાં ખરેખર કોઈના મોત નહોતા થયા, અને તે લોકોએ મરી ગયા હોવાની એક્ટિંગ કરી હતી.
એટલું જ નહીં, એલેક્સ વર્ષો સુધી એવો દાવો કરતો રહ્યો હતો કે સેન્ડી હૂક માસ શૂટિંગની ઘટના અમેરિકનો પાસેથી ગન્સ પાછી ખેંચી લેવા માટેના સરકારના પ્લોટના ભાગરૂપ હતી. કોર્ટનો આ આદેશ એલેક્સ અને તેની કંપની ફ્રી સ્પીચ સિસ્ટમ્સ (એફએસએસ) એલએલસી બંનેને લાગુ પડશે. ફ્રી સ્પીચ સિસ્ટમ્સ કંપની એલેક્સની વેબસાઈટ infowarsની માલિક છે. એફએસએસએ ગત જુલાઈમાં જ નાદારી માટે અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે 2008માં એક નાણાંકીય કટોકટી માટે જવાબદાર બેન્કિંગ એક્ઝિક્યુટિવે 6.75 કરોડ ડોલર (અંદાજે રૂ. 555 કરોડ)નો દંડ ચૂકવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter