સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટીઃ વોશિંગ્ટનમાં બાબાસાહેબની 19 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

Tuesday 17th October 2023 12:17 EDT
 
 

વોશિંગ્ટનઃ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બી.આર. આંબેડકરની ભારત બહારની સૌથી ઊંચી પ્રતિમાનું અમેરિકાના પાટનગર વોશિંગ્ટનના સબર્બ મેરિલેન્ડ ખાતે 14 ઓક્ટોબરે અનાવરણ કરાયું છે.

અમેરિકાના વિવિધ ભાગો ઉપરાંત ભારત અને અન્ય દેશોમાંથી આવેલા 500થી વધુ ભારતીય અમેરિકનોએ 19 ફૂટ ઊંચી સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટી (‘સમાનતાની પ્રતિમા’) ખુલ્લી મૂકાઇ ત્યારે જય ભીમના નારા લગાવ્યા હતા. આંબેડકરના અનેક ચાહકો ભારે વરસાદની પરવા કર્યા વિના 10 કલાક સુધી ડ્રાઇવ કરીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એમણે પ્રસંગને ઐતિહાસિક ગણાવ્યો.

ડો. બાબાસાહેબના જીવનકવનથી લોકો વાકેફ થાય તેવા ઉદ્દેશ સાથે સાકાર થયેલા આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર (એઆઇસી) સંકુલમાં આ પ્રતિમા સ્થપાઇ છે. વ્હાઇટ હાઉસની દક્ષિણે 22 માઇલના અંતરે આવેલી ટાઉનશીપના 13 એકરમાં પથરાયેલા વિસ્તારમાં આ પ્રતિમા ઉભી કરાઇ છે. આ સંકુલમાં વાચનાલય, સભાગૃહ અને બુદ્ધ ગાર્ડન પણ બનાવાયા છે.

શિલ્પકાર રામ સુતારનું સર્જન
બાબાસાહેબની આ પ્રતિમાને જાણીતા શિલ્પકાર રામ સુતારે જ તૈયાર કરી છે, જેમણે બનાવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ગુજરાતના કેવડિયા કોલોની ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ રૂપે પ્રસ્થાપિત કરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter