સ્પેસ એક્સે ઈન્ટરનેટ માટે ૬૦ સ્ટારલિન્ક ઉપગ્રહ લોન્ચ કર્યા

Monday 25th January 2021 05:25 EST
 

કેપ કેનવરેલઃ યુએસ કંપની સ્પેસ એક્સના રોકેટ ફાલ્કન-૯ રોકેટ દ્વારા ૨૪મી જાન્યુઆરીએ વધુ ૬૦ ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કરાયા હતા. આ સાથે સ્પેસ એક્સના સ્ટારલિન્ક નામે ઓળખાતા ઉપગ્રહોની કુલ સંખ્યા ૯૫૫ થઈ છે. અત્યાર સુધીમાં ૧૦૧૫ ઉપગ્રહો લોન્ચ થયાં છે અને તેમાંથી આશરે ૯૬૦ સક્રિય છે. આ કંપની અમેરિકી ઉદ્યોગપતિ-વિજ્ઞાની-એન્જિનિયર ઈલોન મસ્કની છે, જેઓ ટેસ્લા મોટર્સ માટે વધુ જાણીતા છે.
આગામી સમયમાં વિશ્વવ્યાપી ઈન્ટનેટ કનેક્શન પૂરા પાડવામાં ઉપગ્રહોની મહત્ત્વની ભૂમિકા સાબિત થવાની છે. અત્યારે મોટાભાગના ઈન્ટરનેટ કનેક્શન અન્ડરવોટર કેબલથી આવે છે. ઈન-ફ્લાઈટ ઈન્ટરનેટ, દરિયાઈ જહાજો માટે જરૂરી કનેક્શન તથા ભારત-ચીનમાં વધતી ઈન્ટરનેટ ડિમાન્ડને કારણે આકાશમાંથી પૂરા પડાતા ઈન્ટરનેટનું માર્કેટ ૧ ટ્રિલિયન એટલે કે ૧ લાખ કરોડ ડોલર થશે. આ માર્કેટ પર કબજો જમાવવા ઈલોને તૈયારી શરૂ કરી છે. ઈલોન મસ્ક કુલ ૩૦ હજાર ઉપગ્રહોનું જંગી નેટવર્ક ઉભું કરવા માગે છે. એ સંદર્ભમાં જ વધુ ૬૦ ઉપગ્રહો લોન્ચ કરાયા હતા.
ઈલોનના આ સાહસથી ભવિષ્યમાં આકાશી સ્પેસ જન્ક વધશે એવો ભય છે અને મોનોપોલીનો પણ ભય છે. જોકે મસ્કે ભંગાર પરત ધરતી પર લાવી શકાય એવી ટેકનોલોજી પર કામગીરી શરૂ કરી દીધી છે. ઈલોન મસ્ક ઉપરાંત એમેઝોન, સેમસંગ, બોઇંગ, વનવર્લ્ડ સહિતની કંપનીઓ પોતાના ખાનગી ઉપગ્રહો ગોઠવવાની દિશામાં કામગીરી કરી રહી છે.
આ ઉપગ્રહ માંડ ૧૦૦થી ૫૦૦ કિગ્રા સુધીનું વજન ધરાવે છે. તેથી મોટી સંખ્યામાં તેની ગોઠવણી મુશ્કેલ નથી. આ સેટેલાઈટ દ્વારા અમેરિકા, કેનેડા, યુ.કે.માં ઈન્ટરનેટ પૂરું પાડવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter