હજારો ફ્લાઇટના ઉડ્ડયનમાં વિલંબ, સેંકડો ફ્લાઇટ રદ થઈ

Friday 08th July 2022 09:06 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં સ્વતંત્રતા દિવસની રજાઓ ગાળવા લાખો લોકો કુટુંબ સાથે પ્રવાસ માટે નીકળી પડ્યાં હોવાથી વિમાની મથકો પર ભારે અરાજકતા સર્જાઇ છે. આ સ્થિતિને કારણે સમગ્ર અમેરિકામાં ગયા સપ્તાહે 10 હજારથી વધુ ફ્લાઇટ લેટ પડી હતી અને 1000થી વધુ ફ્લાઇટ રદ થઇ હતી.
વીતેલા બે વર્ષથી કોરોના મહામારીને કારણે ઘરોમાં કેદ રહેલા બેચેન લોકો સમુદ્રતટો, ઐતિહાસિક સ્થાનો અને નજીકના સંબંધીઓને મળવા પ્રવાસે નીકળી પડયા છે. એક અંદાજ મુજબ આ સપ્તાહના અંત સુધીમાં સમગ્ર અમેરિકામાં સવા કરોડથી વધુ લોકો ઉડાન ભરશે.
માત્ર ગયા શુક્રવારની વાત કરવામાં આવે તો 25 લાખથી વધુ લોકોએ એરપોર્ટ પરથી ફ્લાઇટ પકડી હતી. આઠમી મેના રોજ મેમોરિયલ વીકએન્ડની સરખામણીમાં આ વર્ષે સ્વતંત્રતા દિવસની રજાઓ દરમિયાન એરપોર્ટ પર 8 ટકા વધુ ભીડ જોવા મળી હતી. મેમોરિયલ ડે વીકએન્ડથી અમેરિકામાં ગરમીની રજાઓ શરૂ થાય છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને બ્રિટન સહિત યુરોપના ઘણા દેશોમાં સ્ટાફના અભાવે એરલાઈન્સ ઓપરેશન ખોટકાયેલું છે.
અનેક શહેરોમાં લોકોને હવાઈ-રેલવે સેવાઓ ખોટકાતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
એરફેર પાંચ વર્ષની સર્વોચ્ચ સપાટીએ
ટ્રાવેલ એપ હોપરના જણાવ્યા મુજબ વિમાની પ્રવાસ ભાડા દર પાંચ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. એક વ્યક્તિ સ્થાનિક ફ્લાઇટમાં સફર કરવા સરેરાશ રિટર્ન ટિકિટ પાછળ 437 ડોલરની ચુકવણી કરી રહી છે. મહામારીકાળની ઘરની કેદથી કંટાળેલા આ ભાડા ચૂકવીને પણ પ્રવાસ ખેડી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter