હમ આપકે હૈ કૌન? ટ્રમ્પ-મસ્ક બાખડ્યા

Wednesday 11th June 2025 05:25 EDT
 
 

વોશિંગ્ટનઃ યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ચેતવણી આપી હતી કે જો બિલિયોનેર એલન મસ્ક તેમના કર ઘટાડા અને ખર્ચ બિલના પક્ષમાં મતદાન કરનારા રિપબ્લિકન ઉમેદવારો સામે ચૂંટણી લડવા માટે ડેમોક્રેટિક ઉમેદવારોને નાણાં આપશે તો તેમને ‘ગંભીર પરિણામો’ ભોગવવા પડશે. જોકે ટ્રમ્પે ક્યાં પ્રકારના પરિણામો ભોગવવા પડશે તે અંગે જાણ કરી નહતી. પ્રેસિડન્ટ ટ્રમ્પ અને બિલિયોનેર એલન મસ્ક વચ્ચે મડાંગાઠ ચાલી રહી છે ત્યારે રિપબ્લિકન પાર્ટીના સાંસદો અને નેતાઓ તેમની વચ્ચે સમાધાન માટે તત્પર છે. આની સાથે સાથે તેઓ આનાથી દેશને થનારા સંભવિત નુકસાનથી પણ સજાગ બન્યા છે.
પ્રેસિડન્ટ ટ્રમ્પ સાથે વેર ઉભું કરીને એલન મસ્ક મોટી ભૂલ કરી રહ્યા છે તેમ જણાવતાં વાઇસ પ્રેસિડન્ટ જે ડી વાન્સે ઉમેર્યું છે કે આશા છે કે બન્ને વચ્ચેનો વિવાદ શમી જશે. આની સાથે તેમણે કહ્યું હતું કે ‘મને આશા છે કે એલન પાછા મેદાનમાં આવી જશે. જોકે હાલમાં તે શક્ય નથી.’ જોકે આ ઝઘડો કોઇ મોટો નથી તેવું તેમનું કહેવું છે. બે શક્તિશાળી માણસો વચ્ચેની દુશ્મનાવટનો વિસ્ફોટ મામલો વધુ જટિલ બનાવી શકે છે.
મસ્કની ધમકીએ તમામને ચોંકાવ્યા
એલન મસ્કની સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનનો નાસા દ્વારા ઉપયોગ બંધ કરવાની ધમકીને કારણે ટ્રમ્પ વહીવટીતંત્ર ચોકી ગયું છે. જોકે, તેમણે આ ધમકી પાછી ખેંચી લીધી હતી. પરંતુ જો આવું થાય તો તે નાસા માટે એક મોટો ફટકો હશે. જેનાથી અવકાશ એજન્સી અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સુધી લઈ જવા માટે સક્ષમ એકમાત્ર અમેરિકન વાહનથી વંચિત રહેશે અને નાસા 100 બિલિયન ડોલરની પરિભ્રમણ પ્રયોગશાળાને કેવી રીતે ચલાવશે તેની સામે પણ સવાલ સર્જાશે.
મસ્કે ‘એપ્સટીન ફાઈલ્સ’ની ટ્વીટ ડિલીટ કરી
મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને લઈને કરેલા પોતાના જૂના ટ્વીટ્સ ડિલીટ કરી દીધા છે. મસ્કે તાજેતરમાં એક્સ પર ટ્રમ્પને લઈને કરેલી વ્યક્તિગત ટિપ્પણીવાળી પોસ્ટ ડિલીટ કરી છે. એમાંથી એક વિવાદિત ટ્વીટમાં મસ્કે દાવો કર્યો હતો કે ટ્રમ્પનું નામ બહુચર્ચિત જેફ્રી એપ્સટીનની ફાઈલોમાં છે અને આથી જ ટ્રમ્પ એ ફાઇલોને સાર્વજનિક કરતા નથી.
મસ્ક નવો પક્ષ સ્થાપવાના મૂડમાં?
ટ્રમ્પ સાથેની દોસ્તી તૂટ્યાં બાદ મસ્કે હવે ટ્રમ્પ સામે નવો એક મોરચો ખોલવાની જાહેરાત કરી છે. ટેસ્લાના વડા હવે નવા રાજકીય પક્ષની સ્થાપના કરી ટ્રમ્પને ટક્કર આપવાની તૈયારીમાં લાગ્યા છે. મસ્કે આ માટે એક્સ પર એક ઓનલાઈન પોલ કરાવ્યો હતો. જેમાં તેમણે લોકોને પૂછયું હતું કે શું અમેરિકામાં હાલ નવા રાજકીય પક્ષ સ્થાપવાનો યોગ્ય સમય છે? જેમાં 80 ટકા લોકોએ નવા પક્ષની સ્થાપનાના વિચારને સમર્થન આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter