વોશિંગ્ટન: અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હશે ત્યાં સુધી આખા દેશનો એકપણ ઇમિગ્રન્ટ શાંતિથી સૂઈ શકશે નહીં તેમ લાગી રહ્યું છે. હાલમાં અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓ હવે કંપનીઓમાં ઘૂસીને H-1B વર્કરોનું ચેકિંગ કરી રહ્યા છે. હ્યુસ્ટન સ્થિત ઇમિગ્રેશન નિષ્ણાત ડેનિયલ રામિરેજે ચેતવણી આપી છે કે કંપનીઓની ફાઇલને ઓડિટ કરવામાં આવી રહી છે, જેથી H-1B હાયરિંગનો હિસાબ જોઈ શકાય.
કોઈપણ કંપનીમાં H-1B હાયરિંગને લઈને જરા પણ ગડબડ દેખાય તો આ મામલો ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (ICE)ને મોકલાય છે, જેથી પૂરતા પ્રમાણમાં પગલાં લેવાઈ શકે. અમેરિકામાં H-1B વિઝા પર જોબ કરતાં ભારતીય વર્કરો મોટી સંખ્યામાં છે. ઇમિગ્રેશન નિષ્ણાતે જણાવ્યું હતું કે સાન ફ્રાન્સિસ્કો અને ન્યૂ યોર્ક સહિત ઘણા મોટા શહેરોમાં ભારતીય વર્કરો જોબ કરી રહ્યા છે.
ઇમિગ્રેશન નિષ્ણાતે જણાવ્યું હતું કે ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં યુએસસીઆઇએસના અધિકારીઓ કંપનીમાં જઈ ચેકિંગ કરી રહ્યા છે. તેમા કોઈ વિસંગતતા દેખાય તો આખો કેસ આઇસીઇને સોંપી દેવાય છે. તેના લીધે મોટાપાયા પર લોકોને ડિપોર્ટ કરવામાં આવી શકે છે. રામિરેજે જણાવ્યું હતું કે H-1B વર્કરોને કામ આપતી કંપનીઓ એલર્ટ થઈ જાય. અમને એઆઇએલએ જેવી ઇમિગ્રેશન લીગલ કમ્યુનિટીના દ્વારા ખબર પડી છે કે યુએસસીઆઈએસની ફ્રોડ ડિટેકશન ડિવિઝને આ મહિને હ્યુસ્ટનમાં મોટાપાયા પર H-1B વર્કરોને નોકરી પર રાખનારી કંપનીઓની તપાસ શરૂ કરી છે. આ તપાસ ફેબ્રુઆરીમાં પણ ચાલુ રહેવાની છે.


