વોશિંગ્ટનઃ યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા કાર્યકાળમાં સત્તા પર આવ્યા છે ત્યારથી વસાહતીઓ વિરુદ્ધ આકરાં પગલાં લઈ રહ્યા છે. ગેરકાયદે વસાહતીઓની દેશમાંથી હકાલપટ્ટી, પ્રોફેશનલ્સના અમેરિકા પ્રવેશને અવરોધવા એચ-1બી વિઝા ફીમાં વધારા પછી હવે ટ્રમ્પે અમેરિકાના વિઝા માટેના નિયમો વધુ આકરા બનાવ્યા છે.
કેએફએફ હેલ્થ ન્યૂઝના અહેવાલ મુજબ હવે ડાયાબિટીસ હોય, મેદસ્વી હોય, હૃદયરોગની બીમારી હોય અથવા અન્ય કોઈ ગંભીર તથા હઠીલી બીમારીઓથી પીડિત લોકો માટે ટ્રમ્પે અમેરિકામાં પ્રવેશવાના દરવાજા બંધ કર્યા છે. ટ્રમ્પ સરકારે વિઝા અરજી કરનારાઓ માટે તબીબી તપાસના વધુ આકરા નિયમો લાગુ કર્યા છે.
નવી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ડાયાબિટીસ અથવા મેદસ્વિતા, હૃદયરોગ, શ્વાસના રોગ, કેન્સર, ડાયાબિટીસ, મેટાબોલિક-પાચનતંત્રની બીમારીઓ, ન્યુરોલોજીકલ રોગો અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત બીમારી જેવી ગંભીર અથવા હઠીલી બીમારીથી પીડિત વિદેશીઓને અમેરિકાના વિઝા નકારી શકાય છે.
ભારતમાં ગુજરાત ડાયાબિટીસની રાજધાની ગણાતું હોવાથી ગુજરાતીઓ પર તેની મોટી અસર પડવાની આશંકા છે. અમેરિકી વિદેશ મંત્રાલયે તેના દૂતાવાસો અને એમ્બેસીને મોકલેલા નિર્દેશોમાં સ્પષ્ટ લખ્યું છે કે બીમાર લોકોને અમેરિકામાં પ્રવેશ અપાશે તો તેઓ સરકારી સંશાધનો પર બોજ બની શકે છે.
યુએસ વિઝા માટે અરજી કરતા વિદેશીઓ માટે અમેરિકન એમ્બેસીના માન્યતાપ્રાપ્ત ડોક્ટર્સ પાસે જ તબીબી તપાસ કરાવવી ફરજિયાત કરી દેવાઇ છે. ટુરિસ્ટ અને નોન ટુરિસ્ટ બંને પ્રકારના વિઝા માટે અરજી કરનારાઓની ટીબી જેવી ચેપી બીમારીઓ માટે પણ તપાસ કરાય છે. હવે દરેક વિઝા અરજદારને તેમનો તબીબી ઇતિહાસ દર્શાવતા ફોર્મમાં દરેક વિગતો આપવાની આવશે.


