વોશિંગ્ટનઃ શું ચ્યુઇંગ ગમ ચાવીને કોઈનો જીવ બચાવી શકાય? અમેરિકામાં આ હકીકત બની ચૂક્યું છે. ગિફ્ટ ઓફ લાઇફ મેરો રજિસ્ટ્રીએ લેબકોર્પ અને ડબલમિન્ટ સાથે મળીને ‘હીરોગમ’ નામે ચ્યુઈંગ ગમ આકારની ડીએનએ ટેસ્ટ કિટ વિકસાવી છે. એક સ્ટાર્ટઅપે વિકસાવેલી આ ચ્યુઈંગ ગમ માત્ર પાંચ મિનિટ ચાવ્યા બાદ લેબમાં મોકલાય છે. પાંચ જ મિનિટમાં પરીક્ષણને આધારે વ્યક્તિનું ડીએનએ પ્રોફાઈલ બનાવીને તેની બોન મેરો અને સ્ટેમ સેલ ડોનર રજિસ્ટ્રીમાં નોંધ પણ થઇ જાય છે. આ પદ્ધતિ ખાસ કરીને એ લોકો માટે સરળ છે, જે સ્વેબ ટેસ્ટની ઝંઝટથી બચવા માંગે છે. આ પહેલથી કેન્સર અને અન્ય ગંભીર બીમારી સામે સંઘર્ષ કરી રહેલા દર્દીને યોગ્ય ડોનર મળવાની શક્યતા વધી શકે છે. હાલ બોન મેરો ડોનર બનવા માટે પારંપરિક રીતે ગાલમાંથી સ્વેબ લેવું પડે છે, જે ઘણા લોકોને અસુવિધાજનક લાગતું હતું. ‘હીરોગમ’એ આ પ્રક્રિયા સરળ અને ઝડપી કરી છે. આ ચ્યુઈંગ ગમથી મળેલા પરિણામ સ્વેબ દ્વારા થતા પરંપરાગત પરીક્ષણ જેટલા જ ભરોસાપાત્ર છે.