વોશિંગ્ટનઃ અમેરિકાની સરકારે એક ઐતિહાસિક અને અભૂતપુર્વ પગલું ભરતાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરને યુએ પાસપોર્ટ પર પ્રદર્શિત કરવાનો નિર્ણય કર્યો છે. વિદેશ વિભાગે અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થયાં તે સંદર્ભે આ સ્પેશિયલ એડિશન પાસપોર્ટ ઈશ્યૂ કરવાની તૈયારી કરી છે. આ પાસપોર્ટ્સના અંદરના કવર પર પ્રેસિડેન્ટ ટ્રમ્પની તસવીરની સાથે તેમના ગોલ્ડન હસ્તાક્ષર પણ હશે. નવી ડિઝાઈન અનુસાર પાસપોર્ટના પ્રથમ પેજ પર સ્વતંત્રતાની ઘોષણા પર ટ્રમ્પની તસવીર એમ્બોઝ કરાઇ હશે. વિદેશ વિભાગના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે આ પાસપોર્ટની સુરક્ષા સાથે કોઇ સમજુતિ કરાઈ નથી. તે દુનિયાના સૌથી સુરક્ષિત દસ્તાવેજમાંના એક તરીકે જળવાઇ રહેશે. નિષ્ણાતોના મતે અમેરિકન પાસપોર્ટ 10 વર્ષ માટે માન્ય હોય છે તેથી પાસપોર્ટ પર 10 વર્ષ માટે તેમની તસવીર જળવાઈ રહેશે.
અહેવાલો અનુસાર આ પગલાને પ્રેસિડેન્ટ ટ્રમ્પના નામને રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડવાના વ્યાપક અભિયાનનો હિસ્સો માનવામાં આવે છે. તાજેતરમાં જ અમેરિકન ટ્રેઝરીએ જાહેરાત કરી હતી કે ડોલરની નોટો પર પણ ટ્રમ્પના હસ્તાક્ષર દેખાશે. કેનેડી સેન્ટરનું નામ બદલીને ટ્રમ્પ-કેનેડી સેન્ટર અને ઇન્સ્ટિટ્યુટ ઓફ પીસનું નામ બદલીને ડોનાલ્ડ જે. ટ્રમ્પ ઇન્સ્ટિટ્યુટ ઓફ પીસ રાખવાના સમાચાર છે. અમેરિકન મિન્ટ પણ ટ્રમ્પની તસવીર ધરાવતાં સોનાના સિક્કા ઈશ્યૂ કરવાની યોજના ધરાવે છે.


