ફિલાડેલ્ફિયા: અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ગયા શનિવારે મોડી રાત્રે થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા છે. બીજી બાજુ ટેનેસીમાં પણ શૂટઆઉટની ઘટના બની હતી જેમાં ત્રણનાં મૃત્યુ થયા હતા અને 14 લોકોને ઈજા પહોંચી હતી.
ફિલાડેલ્ફિયાની ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું ભીડ પર ગોળીબાર કરાયો હતો અને એક પોલીસ અધિકારીએ એક સંદિગ્ધ હુમલાખોર પર ગોળી ચલાવી હતી. જોકે, હુમલાખોરને આ ગોળી વાગી કે નહીં તે જાણી શકાયું નથી.
પોલીસે જણાવ્યું કે સાઉથ સ્ટ્રીટ પર અનેક લોકો વીકેન્ડમાં ઊજવણી કરે છે અને તે જ સમયે ગોળીબાર કરાય છે. ગોળીબારમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું મનાય છે.
ઓક્લાહોમામાં પણ ગોળીબારની ઘટના
આ પૂર્વે બીજી જૂને ઓકલાહોમાના ટુલ્સા શહેરના સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલની ઇમારતમાં ગોળીબારની ઘટના બની હતી. ટુલ્સા પોલીસના જણાવ્યા મુજબ અજ્ઞાત હુમલાખોરે ગોળીબાર કરીને ચાર લોકોને ઢાળી દીધા હતા. જાણકારી મળતાં જ સ્થળ પર પહોંચેલી પોલીસે શૂટરને ઠાર માર્યો હતો.
ઓક્લાહોમાના પોલીસ અધિકારી મ્યૂલેનબર્ગે કહ્યું હતું કે પોલીસને મેડિકલ કોલેજની એક ઇમારતના બીજા માળે રાઇફલથી એક વ્યક્તિ ગોળીબાર કરી રહ્યાની ટેલિફોન પર જાણ કરવામાં આવી હતી. એક્ટિવ શૂટરની જેમ તે ગોળીબાર કરી રહ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચતા જાણકારી મળી હતી કે કેટલાક લોકોને ગોળી વાગી છે, એક દંપતીના મૃત્યુ થઈ ચૂક્યા હતા. શૂટર પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો.