વોશિંગ્ટનઃ અમેરિકામાં સરકારી સહાય પર નિર્ભર લોકોની ગ્રીન કાર્ડ અથવા વિઝા અરજી નકારવા અંગેના પબ્લિક ચાર્જની વ્યાખ્યાને ટ્રમ્પ સરકારે વધુ વિસ્તૃત બનાવી છે. આવતા મહિને 18 સપ્ટેમ્બરથી અમલી બનનારી આ નવી વ્યાખ્યાને પગલે ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા ભારતીયોની મુશ્કેલીઓમાં વધારો થશે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઈએસ) દ્વારા મંજૂર કરાયેલી પબ્લિક ચાર્જની આ વિસ્તરીત વ્યાખ્યા અનુસાર, જો અરજદાર પોતાની રોજી-રોટી કે આર્થિક ગુજારા અથવા તબીબી સહાય માટે મુખ્યત્વે સરકાર પર નિર્ભર હોય, તો તેને વિઝા, ગ્રીન કાર્ડ કે અમેરિકામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અગાઉના નિયમમાં રોકડ સહાય તથા લાંબો સમય સુધી સરકારી સહાય લેનારા એમ માત્ર બે પ્રકારના લાભ મેળવતા લોકોની ગ્રીન કાર્ડની અરજી નકારાતી હતી.


