ન્યૂયોર્ક: છેલ્લા કેટલાક સમયથી H1-B વીઝા પરના નિયંત્રણો આકરા બનાવી રહેલા ટ્રમ્પ તંત્રે વધુ એક આકરો નિયમ લાગુ કર્યો છે. ગૃહ મંત્રાલયે જાહેર કર્યું છે કે જે લોકો H1-B વીઝા અને ગ્રીનકાર્ડ માટે અરજી કરી રહ્યા છે તેમણે સહી કરવામાં હવે વિશેષ કાળજી રાખવી પડશે. ડોક્યુમેન્ટની તપાસ વેળા જો અરજદારની સહી અયોગ્ય, ખોટી કે અધુરી લાગશે તો અધિકારી અરજી રદ કરશે. એટલું જ નહીં, ફરીથી તાત્કાલિક અરજી પણ કરી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે હજારો ભારતીયો H1-B વીઝા થકી અમેરિકામાં પ્રવેશે છે અને સમયાંતરે આ વીઝાને રિન્યુ પણ કરાવતા હોય છે. આ ઉપરાંત હજારો ભારતીયો ગ્રીનકાર્ડની અરજી પણ કરતા હોય છે. આ સંજોગોમાં સહી કરવામાં નાનકડી ગફલત પણ થશે તો અરજી રિજેક્ટ કરી દેવાશે. ભારતીયો માટે આ મોટા ઝાટકા સમાન છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા આ નિયમને ફેડરલ રજિસ્ટરમાં જારી કરી દેવાયો છે. તેના હેઠળ યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીઝના અધિકારો વધી ગયા છે.


