હા, ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનું કાવતરું ઘડી, સોપારી આપી હતીઃ નિખિલ ગુપ્તાની કબૂલાત

Wednesday 18th February 2026 03:44 EST
 
 

ન્યૂયોર્કઃ ખાલિસ્તાની આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાંમાં સંડોવાયેલા આરોપી નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્ક કોર્ટમાં ગૂનો કબુલી લીધો છે. તેણે કબૂલ્યું છે કે પન્નુની હત્યા માટે તેણે અમેરિકાના એક કથિત ગુનેગારને સોપારી આપી હતી. તેની આ કબૂલાતે આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા એજન્સીઓ અને કૂટનીતિક ક્ષેત્રમાં હલચલ મચાવી દીધી છે. જોકે, ભારત સરકારે ઘણા સમય પહેલા જ સ્પષ્ટતા કરી ચૂકી છે કે નિખિલ ગુપ્તા સાથે તેને કોઈ પણ પ્રકારે સંબંધ નથી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ 54 વર્ષીય નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્ક સિટી સ્થિત મેનહટન ફેડરલ કોર્ટમાં ત્રણ ગૂનાના આરોપોમાં દોષ કબૂલ્યો છે, જેમાં હત્યા માટે સોપારી આપવાનું કાવતરું, હત્યાનું કાવતરું અને મની લોન્ડરિંગના કાવતરાંનો સમાવેશ થાય છે.
અમેરિકન એટર્ની ઓફિસ મેનહટનના પ્રવક્તા મુજબ નિખિલ ગુપ્તાને આ આરોપો હેઠળ મહત્તમ 40 વર્ષની સજા થઈ શકે છે. અમેરિકન સરકારે નિખિલ ગુપ્તાને 21થી 24 વર્ષની સજાની માગ કરી છે. આ કેસમાં 30 માર્ચથી સુનાવણી થવાની હતી. આ ગુનાની કબૂલાતથી નિખિલ ગુપ્તા હાઈ-પ્રોફાઈલ ટ્રાયલથી બચી જશે. નિખિલ ગુપ્તાએ અમેરિકન મેજિસ્ટ્રેટ જજ સારા નેટબર્ન સમક્ષ પોતાનો દોષ કબૂલ્યો હતો. જોકે, આ કેસમાં હજુ સુધી તેના વકીલો તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ નિખિલ ગુપ્તાને જૂન 2024માં અમેરિકા લવાયો હતો. આ પહેલા તેની ચેક રિપબ્લિકમાંથી ધરપકડ કરાઈ હતી, જ્યાં લગભગ એક વર્ષ સુધી તેને કેદમાં રખાયો હતો. ચેક રિપબ્લિકમાંથી પ્રત્યાર્પણ પછી નિખિલ ગુપ્તાને ન્યૂયોર્કની બ્રૂકલિન જેલમાં રખાયો હતો. ભારત સરકારે આ સમગ્ર કેસમાંથી પોતાને અલગ રાખતા સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના કોઈપણ કાવતરાંમાં તેની કોઈ ભૂમિકા નથી અને આવી પ્રવૃત્તિઓ સરકારી નીતિ વિરુદ્ધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter