હા...શ ગ્રીન કાર્ડ માટે બધા ઈમિગ્રન્ટે અમેરિકા છોડવું નહીં પડે

Friday 05th June 2026 12:38 EDT
 
 

વોશિંગ્ટન: ગ્રીન કાર્ડના અરજદારો માટેની નવી જોગવાઇથી હોબાળો મચી ગયા બાદ હવે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરી છે કે ગ્રીન કાર્ડ ઇચ્છુક બધા ઇમિગ્રન્ટને તેમની અરજીઓ માટે પોતાના દેશમાં પરત ફરવાની ફરજ નહીં પડે.
અગાઉ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ)એ જણાવ્યું હતું કે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝનું કહેવું છે કે પરમેનન્ટ રેસિડેન્સી ઇચ્છતા યુવકોએ તેમના પોતાના મૂળ વતન દેશમાં પરત ફરીને ગ્રીન કાર્ડ માટે રાહ જોવી પડશે. હવે ડીએચએસના પ્રવક્તાએ કહે છે કે આ તો ફક્ત ઓફિસરોને તેમની વિવેક મુનસફી મુજબની સત્તા લેવા માટેનો એક રિમાઇન્ડર હતો, જેમાં તેઓ હંમેશા દરેક કેસના આધારે નિર્ણય લે છે. ડીએચએસે જણાવ્યું હતું કે 22 મેના રોજનો યુએસસીઆઇએસ મેમો કંઈ વિઝા માળખામાં ફેરફાર કરતો મેમો નથી. અહીં તો ઇમિગ્રેશન ઓફિસરે જ નક્કી કરવાનું હોય છે કે ગ્રીન કાર્ડ માટે કોઇ અરજદારને તેના દેશ પરત મોકલવો કે નહીં. આ નિર્ણયના કારણે ફક્ત વિઝા ઓવરસ્ટે કરનારા અથવા તો જાહેર સહાયનો મોટાપાયા પર ઉપયોગ કરનારા દેશોના નાગરિકોના જૂથોને જ અસર પડશે.
જોકે આ બધી ખાતરી છતાં ઇમિગ્રશન વકીલો ‘થોભો અને રાહ જુઓ’નો અભિગમ અપનાવી રહ્યા છે. 2024માં 14 લાખ ગ્રીનકાર્ડ ધારકને મંજૂરી મળી હતી, જેમા 8.2 લાખને દેશની અંદર સ્ટેટસ એડજસ્ટમેન્ટ પ્રક્રિયા દ્વારા મંજૂરી મળી હતી, એમ હોમલેન્ડ સિક્યોરિટી ડેટાના વિભાગે જણાવ્યું હતું. છેલ્લા બે દાયકામાં પાંચ લાખથી વધુ લોકોએ દર વર્ષે સ્ટેટસ એડજસ્ટમેન્ટ દ્વારા ગ્રીન કાર્ડ મેળવ્યું છે. તેમાં ફક્ત 2020નું કોવિડનું વર્ષ અપવાદરૂપ હતુ. દર વર્ષે 30 હજારથી વધુ ભારતીય એચ-1બી વિઝા ધારકો ગ્રીન કાર્ડ માટે બાકી રહી જાય છે.
સ્વૈચ્છિક સંગઠન ઇન્ડિયાસ્પોરાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજીવ જોશીપુરાએ જણાવ્યું હતું કે ભારતીય ઇમિગ્રન્ટ્સ અને તેમના કુટુંબો અમેરિકાની કુલ વસ્તીમાં 1.5 ટકા હિસ્સો ધરાવે છે અને 6 ટકા ટેક્સ ચૂકવે છે. અમેરિકાની 60 ટકા હોટેલ્સના માલિક ભારતીય ઇમિગ્રન્ટ છે અને તેઓએ 40 લાખ જોબનું સર્જન કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter