હિન્દુ સમુદાય વિરોધી વલણ ચિંતાજનકઃ વ્હાઇટ હાઉસ પ્રતિનિધિ મંડળ સમક્ષ રજૂઆત

Tuesday 24th November 2026 11:47 EST
 
 

વોશિંગ્ટનઃ હિન્દુ અમેરિકન નેતાઓએ વ્હાઈટ હાઉસના પ્રતિનિધિમંડળ સાથેની એક બેઠક દરમિયાન સોશિયલ મીડિયા પર હિન્દુ વિરોધી નિવેદનબાજી, સમગ્ર અમેરિકામાં બનતી હિન્દુફોબિક ઘટનાઓ અને મંદિરોની આસપાસ સુરક્ષા મજબૂત કરવાના ઉપાયો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

વ્હાઈટ હાઉસના ફેઇથ ડિરેક્ટર જેનિફર કોર્નના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે અહીંના હિન્દુ કોમ્યુનિટી સેન્ટર અને મંદિર ‘કેશવમ’ની મુલાકાત લઇને જુદા જુદા હિન્દુ અમેરિકન સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં હિન્દુ સ્વયંસેવક સંઘ-યુએસએ, સેવા ઈન્ટરનેશનલ, BAPS, હિન્દુ યુવા, ઇસ્કોન, ચિન્મય મિશન, આર્ટ ઓફ લિવિંગ, ઈશા ફાઉન્ડેશન, VHP ઓફ અમેરિકા અને શ્રીમદ રાજચંદ્ર મિશનના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

કોર્નની સાથે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના સિનિયર એડવાઇઝર અને ફેઈથ લાયઝન બેલ્સિસ રોમેરો પણ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ અમેરિકન પ્રતિનિધિઓએ આપત્તિ રાહત પ્રયાસો, ધ્યાન અને સુખાકારીના કાર્યક્રમો તેમજ ‘સેવા દિવાળી ફૂડ ડ્રાઈવ’ જેવી પહેલ દ્વારા સમુદાયના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર વધી રહેલી હિન્દુ વિરોધી નિવેદનબાજી અને દેશભરમાં બનતી હિન્દુફોબિક ઘટનાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

પ્રતિનિધિઓએ અમેરિકી અધિકારીઓને મંદિરોમાં સુરક્ષા સુધારવાના માર્ગો શોધવા અને પરસ્પર વિશ્વાસ તથા સમજણ વધારવા માટે આંતરધર્મીય સંવાદને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. આ ચર્ચામાં હિન્દુ અમેરિકન પ્રતિનિધિત્વ વધારવાની તકો અને ફેડરલ નીતિ વિષયક ચર્ચાઓમાં સમુદાયના દ્રષ્ટિકોણનો સમાવેશ કરવાના મુદ્દાઓ પણ સામેલ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter