વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે જો તે અમેરિકાનાં પ્રમુખ ન હોત તો ખ્રિસ્તી ધર્મના વડા પોપ લિયોની પસંદગી જ ન થઇ હોત. પોપ લિયોની પસંદગી ફક્ત એટલા માટે કરાઇ છે કારણકે તેઓ અમેરિકન છે. એટલું જ નહીં, ટ્રમ્પે પોતાને ઈસા મસીહ ગણાવ્યા છે. પોપ લિયો 14મા પર બેફામ બોલ્યા કર્યા પછી તેમણે પોતાનો એઆઈ જનરેટેડ ફોટો શેર કર્યો છે જેમાં તે ચમત્કાર કરતા નજરે પડે છે.
ફોટો બાઇબલમાં દર્શાવાયેલા એ ચમત્કાર જેવો છે જેમાં ઇસા મસીહે એક મૃત વ્યકિતને ફરીથી જીવિત કર્યો હતો. આ ફોટામાં ટ્રમ્પ એક વ્યકિતનાં માથા પર હાથ રાખતા જોવા મળી રહ્યાં છે. ટ્રમ્પની આજુબાજુ અમેરિકન ધ્વજ, યુદ્ધ જહાજ અને એન્જલ દેખાઈ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પોપે ટ્રમ્પને ઇરાન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવાની સલાહ આપી હતી. તેના પર ટ્રમ્પે જણાવ્યું હતું કે મને કોઈ પાદરીની સલાહની જરૂર નથી.
ટ્રમ્પની ટિપ્પણી પછી પોપે જણાવ્યું છે કે મને રિપબ્લિકન સરકારથી કોઈ ડર નથી. મેં ફક્ત શાંતિની અપીલ કરી હતી. તેમાં કંઈ પણ ખોટું નથી. હું તો ફક્ત ઇસા મસીહનાં સંદેશને આગળ વધારવાની વાત કરી રહ્યો છું.
તેમણે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે જે કંઈ પણ કહ્યું છે તે સાંભળીને દુઃખ થયું છે. જો કે હું એક વાત કહેવા માંગુ છું કે ચર્ચ પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને હંમેશા સાચી વાત કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે કોઈ વિવાદમાં પડવા માંગતા નથી. અમે ફક્ત શાંતિની અપીલ કરી હતી. હું ડોનાલ્ડ ટ્રમ્પ કે અન્ય કોઈ વ્યક્તિ સાથે સીધો હુમલો કરવા માંગતો નથી.


