લોસ એન્જલસઃ દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલિવૂડના લેખકો છેલ્લા બે મહિનાથી હડતાળ પર છે. હવે આ હડતાળમાં હોલિવૂડના કલાકારો પણ જોડાયા છે. હજારો લેખકો અને કલાકારો ડાઉનટાઉન લોસ એન્જલસમાં નેટફ્લિક્સ ઓફિસ સામે એકઠા થયા હતા. કલાકારોનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો ઓછા મહેનતાણાને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. એક તરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ના વધતા પ્રભાવને કારણે નોકરીઓ જોખમમાં છે અને બીજી તરફ નવી નોકરી મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
એક અંદાજ મુજબ હોલિવૂડમાં 1.71 લાખ લોકો હડતાળ પર છે, જેમાં સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ, અમેરિકન ફેડરેશન ઓફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટ્સ (સેગ - એએફટીઆરએ)ના 1.60 લાખ કલાકારો અને 11,500થી વધુ લેખકોનો સમાવેશ થાય છે. નેટફ્લિક્સને પણ એમેઝોન, એપલ સાથે સ્ટ્રીમિંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
હોલિવૂડ સાથે સંકળાયેલા લોકો કહે છે કે ડિજિટલ સ્ટ્રીમિંગ, એઆઈના કારણે કલાકારોને કામ નથી મળતું. આવક ઘટી છે. ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરવો પડે છે. બે દાયકા કરતાં વધુ સમયથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી એક્ટ્રેસ ફેલિશિયા ડેનું કહેવું છે કે હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે તમે ટકી પણ નહીં શકો.
આજીવિકાનું સંકટ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા ઉપયોગને કારણે આજીવિકાનું સંકટ ઊભું થયું છે. લેખકોનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજીના બદલાવને કારણે કોન્ટ્રાક્ટમાં ઘણા મોટા ફેરફારોનો સામનો કરવો પડે છે. લેખકોના સંગઠનના વડા ફ્રાન ડ્રેશ્વરનું કહેવું છે કે કલાકારો રોજેરોજની બરતરફીથી કંટાળી ગયા છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે હોલિવૂડમાં પણ ઘણા ફેરફારો આણ્યા છે. લેખન, દિગ્દર્શન અને માર્કેટિંગમાં એઆઈનો ઉપયોગ વધ્યો છે. એઆઇ સ્ટોરી લાઈન, ડાયલોગથી લઈને સીન ક્રિએશન તેમજ ફિલ્મ મેકર્સને નવા આઈડિયા આપવાનું કામ કરે છે. જેના કારણે નાના કલાકારો અને લેખકો માટે રોજગારીનું સંકટ પણ સર્જાયું છે.
યુનિયનની જીદથી મામલો બગડ્યોઃ સ્ટુડિયો સંચાલકો
સ્ટુડિયો સંચાલકોનું કહેવું છે કે તેમણે હડતાળનો ખોટો રસ્તો પસંદ કર્યો છે. ધ એલાયન્સ ઓફ મોશન પિક્ચર્સ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સનું કહેવું છે કે કલાકારોના ૫ગા૨ અને અન્ય ભથ્થાંમાં વધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેમણે વાટાઘાટો તોડી નાખી હતી. કલાકારોના સંઘના ઇનકારને કારણે ઉદ્યોગની હાલત આ તબક્કે પહોંચી છે.