ન્યૂ યોર્કઃ હોલીવૂડના એક્ટર્સનું પ્રતિનિધિત્વ કરતાં ધી સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ - અમેરિકન ફેડરેશન ઓફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટસ તથા હોલીવૂડ સ્ટૂડિયો વચ્ચે સમજૂતી સધાતાં 118 દિવસથી ચાલતી હડતાલનો અંત આવ્યો છે. હોલીવૂડના કલાકારોના સંગઠને તેમની હડતાળને સમાપ્ત કરવા માટે સ્ટુડિયો સાથે કામચલાઉ કરાર કર્યો છે. આ સમાધાન બાદ એક્ટર્સનાં મહેનતાણાંમાં વધારો થશે. છેલ્લાં 40 વર્ષમાં એક્ટર્સને લઘુત્તમ વેતનનો સૌથી મોટો વધારો અપાયો છે. એક્ટર્સને કુલ એક બિલિયન ડોલરનો ફાયદો થવાનો હોવાનો દાવો યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે. આ સમાધાનને પગલે કેટલાય મહિનાઓથી અટકી પડેલાં હોલીવૂડ ફિલ્મો તથા વેબ સીરીઝના શૂટિંગ આગળ ધપવાની આશા છે.
એક્ટર્સ સંગઠનની કમિટીમાં સ્ટુડિયોઝ સાથે થયેલાં સમાધાનને બહાલી અપાઇ હતી. લોસ એન્જલસના સમય પ્રમાણે નવમી નવેમ્બરે મધરાત્રે હડતાલના અંતની જાહેરાત કરાઈ હતી.