વોશિંગ્ટનઃ ટેક્સાસમાં આવેલી પ્રખ્યાત હ્યુસ્ટન યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં હિન્દુ ધર્મ અંગે ભણાવાય તો છે, પણ આ અભ્યાસક્રમમાં હિન્દુ ધર્મને બદનામ કરવા પ્રયાસ થઈ રહ્યાની ફરિયાદ ભારતીય વિદ્યાર્થીઓએ કરી છે.
વસંત ભટ્ટ નામના એક વિદ્યાર્થીએ મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે વર્ગખંડમાં એક પ્રોફેસર જ્યારે હિન્દુ ધર્મ પર વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ કટ્ટરવાદી કહ્યા હતા. સાથે જ દાવો કર્યો હતો કે ભારત ધાર્મિક લઘુમતી સામે કાર્યવાહી કરીને તેમને પરેશાન કરી રહ્યું છે. જ્યારે હકીકતમાં પીઇડબલ્યુ રિસર્ચ સ્ટડીએ દાવો કર્યો છે કે 2021માં 89 ટકા મુસ્લિમોએ કહ્યું છે કે તેઓ ભારતમાં સુરક્ષિત મહેસુસ કરે છે.
વિદ્યાર્થીના આ આરોપો બાદ યુનિવર્સિટીએ હિન્દુ ધર્મ અંગેના પોતાના અભ્યાસક્રમનો બચાવ કરતા કહ્યું હતું કે ફંડામેન્ટાલિસ્ટ જેવા શબ્દોનો પ્રયોગ અમારા અભ્યાસક્રમનો એક હિસ્સો છે. પ્રોફેસરો ક્યારેક સ્વતંત્રતાને કારણે કેટલાક શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. અમારી યુનિવર્સિટી એકેડેમિક સ્વતંત્રતામાં વિશ્વાસ ધરાવે છે. અભ્યાસક્રમમાં અમે હિન્દુ ધર્મનો કેવી રીતે વિકાસ થયો તે ભણાવીએ છીએ. અતિ આધુનિક વિશ્વમાં ધર્મ કામ કરે છે, પરંતુ આવા ઉદાહરણોનો અર્થ એ નથી થતો કે અમે હિન્દુ ધર્મની ટીકા કરીએ છીએ.