હ્યુસ્ટનઃ ભારતીય રિસર્ચર શર્મિષ્ઠા સેન (ઉં ૪૩) પહેલી ઓગસ્ટે ચિશહોમ પાર્કમાં જોગિંગ માટે ગયા હતા ત્યારે તેમની હત્યા કરાઈ હતી. પોલીસે જણાવ્યું કે, આ મામલે પોલીસે એક ૨૯ વર્ષીય અશ્વેત યુવક બાકારી એબિઓના મોન્ફ્રીકની શંકાના આધારે ધરપકડ કરી છે તેની પૂછપરછ કરાઈ રહી છે. ભારતીય અમેરિકન શર્મિષ્ઠા સેન ફાર્મા કંપનીમાં રિસર્ચર હોવા સાથે સાથે અમેરિકન ભારતીય સમુદાયમાં ડાન્સર અને ગાયક તરીકે પણ જાણીતા હતા. પોલીસે જણાવ્યું કે, બાકારીની આ પહેલાં પણ ચોરીના આરોપમાં ધરપકડ કરાઈ હતી. જે સમયે શર્મિષ્ઠાની હત્યા થઇ તેના થોડા જ સમય પહેલાં આ ઘટનાસ્થળની નજીકના એક મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો. પોલીસે આ સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરીને બાકારીની ધરપકડ કરાઈ હતી. હાલમાં એ તપાસ ચાલે છે કે ચોરીના પ્રયાસનો આરોપી જ શર્મિષ્ઠાનો હત્યારો છે કે નહીં?