વોશિંગ્ટન: ૧૧ વર્ષની ભારતીય-અમેરિકન વિદ્યાર્થિની નતાશા પેરીને અમેરિકાની ટોચની યુનિવર્સિટીએ દુનિયાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાંની એક જાહેર કરી છે. એસએટી અને એસીટી પરીક્ષાઓમાં અસાધારણ દેખાવના પગલે પેરીને આ સન્માન અપાયું છે. ૮૪ દેશોના લગભગ ૧૯,૦૦૦ વિદ્યાર્થીઓમાં ભારતીય-અમેરિકન નતાશા પેરીએ નવીનતમ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને શૈક્ષણિક મૂલ્યાંકન પરીક્ષા (એસએટી) તથા અમેરિકન કોલેજ ટેસ્ટ (એસીટી)માં અસાધારણ દેખાવ કર્યો હતો.
અમેરિકાની અનેક યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે એસએટી અને એસીટીના માપદંડોનો ઉપયોગ કરે છે. કેટલાક કિસ્સામાં તો કંપનીઓ અને નોન-પ્રોફિટ સંસ્થાઓ પણ આ સ્કોર્સનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ્સ આપતી હોય છે. ન્યૂ જર્સીમાં થેલ્મા એલ. સેન્ડમેઈર એલિમેન્ટરી સ્કૂલની વિદ્યાર્થિની પેરીનું જોન હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથ ટેલેન્ટ (વીટીવાય) સર્ચના ભાગરૂપે એસએટી, એસીટી અથવા સમકક્ષ મૂલ્યાંકન સ્પર્ધાઓમાં અસાધારણ દેખાવ બદલ સન્માન કરાયું છે.
વર્ષ ૨૦૨૦-૨૧ની ટેલેન્ટ સર્ચ (સીટીવાય)માં ૮૪ દેશોના ૧૯,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સીટીવાય સમગ્ર વિશ્વમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઓળખી કાઢવા માટે તેમના ગ્રેડ સ્તરથી ઉપરની પરીક્ષા લે છે અને તેમની સાચી શૈક્ષણિક ક્ષમતાઓનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે.
ન્યૂ જર્સીમાં એલિમેન્ટરી સ્કૂલમાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી પેરીએ સ્પ્રિંગ ૨૦૨૧માં જ્હોન હોપકિન્સ ટેલેન્ટ સર્ચ ટેસ્ટમાં ભાગ લીધો હતો. પેરીએ મૌખિક સહિત અન્ય સેક્શન્સમાં એડવાન્સ્ડ ગ્રેડ-૮ પરફોર્મન્સના ૯૦ પર્સન્ટાઈલ મેળવ્યા હતા. તે જ્હોન હોપકિન્સ વીટીવાય ‘હાઈ ઓનર્સ એવોર્ડ્સ’ કટ મેળવવામાં પણ સફળ થઈ હતી. નતાશા પેરીએ જણાવ્યું હતું કે, આ સન્માન તેને વધુ સારો શૈક્ષણિક દેખાવ કરવા માટે પ્રેરિત કરશે.
સીટીવાય ટેલેન્ટ સર્ચમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓમાંથી ૨૦ ટકાથી પણ ઓછા વિદ્યાર્થી સીટીવાય હાઈ ઓનર્સ એવોર્ડ્સ માટે ક્વોલિફાઈ કરી શકે છે. સીટીવાય હાઈ ઓનર્સ એવોર્ડ્સનું સન્માન મેળવનારા વિદ્યાર્થીઓ સમગ્ર વિશ્વમાં અન્ય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે લર્નર્સ કોમ્યુનિટીમાં સામેલ થઈ શકે છે, જ્યાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ઓનલાઈન અને સમર પ્રોગ્રામ અંતર્ગત એકબીજા પાસેથી વધુ માહિતી અને જ્ઞાન મેળવી શકે છે.