૧૨ ભારતીય અમેરિકન ઉમેરવારે ૩૦ સપ્ટે. સુધીમાં ૨.૬ કરોડ ડોલર ભેગાં કર્યાં

Wednesday 24th October 2018 06:15 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ૬ નવેમ્બરે યોજાનાર મધ્યવર્તી ચૂંટણી માટે ૧૨ ભારતીય અમેરિકન ઉમેદવારોએ ૨.૬ કરોડ ડોલર એકત્ર કર્યા છે. જે પૈકી ૬ ઉમેદવારોએ પોતાના હરીફ ઉમેદવાર કરતા વધારે ભંડોળ એકત્ર કરી લીધું છે.
રાજા કૃષ્ણામૂર્તિ, રો ખન્ના, પ્રામિલા જયપાલ, અમી બેરા, હિરલ તિપિરનેની અને આફતાબ પુરેવાલે પોતાની બેઠકના હરીફ ઉમેદવાર કરતા વધારે ભંડોળ એકત્ર કર્યું છે.
રાજકીય પંડિતોના જણાવ્યા અનુસાર જે ઉમેદવાર વધુ ભંડોળ એકત્ર કરે છે તે ઉમેદવારને પોતાના વિસ્તારમાં વધુ લોકપ્રિય ગણવામાં આવે છે. અને આવા ઉમેદવાર પોતાના હરીફ ઉમેદવારને સરળતાથી હરાવી શકે છે.
જો કે ફેડરલ ઇલેકશન કમિશન(એફઇસી) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા ૩૦ સપ્ટેમ્બર સુધીના છે અને ચૂંટણી સુધીમાં આ આંકડામાં વધારો થઇ શકે છે. જો આ છ ઉમેદવારો ચૂંટણી જીતી જશે તો યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ભારતીયોની સંખ્યા ચારથી વધીને છ થઇ જશે. રાજા કૃષ્ણામૂર્તિએ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૫૦ લાખ ડોલર એકત્ર કરી લીધા છે. તેઓ ભંડોળ એેક્ત્ર કરવામાં ભારતીય ઉમેદવારોમાં સૌથી ટોચ પર છે. તેમના હરીફ ભારતીય મૂળના અમેરિકન જિતેન્દર દિગાનવેકર અત્યાર સુધીમાં ફક્ત ૩૫,૮૧૭ ડોલર જ એક્ત્ર કરી શક્યા છે.
શિવ અત્યાદુરાઇએ ૫૦ લાખ ડોલર એકત્ર કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમના હરીફ ઉમેદવાર શક્તિશાળી ડેમોક્રેટિક સેનેટર એલિઝાબેથ વોરેન છે. ભારતીય મૂળના અમેરકન ફિઝિશિયન હિરલ તિપિરેનેનીએ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૩૭.૬ લાખ ડોલર એકત્ર કરી લીધા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter