૨.૪ કરોડ ડોલરના કોવિડ-૧૯ રિલીફ સ્કીમ કૌભાંડમાં દિનેશ શાહ દોષિત

Wednesday 31st March 2021 07:03 EDT
 
 

વોશિંગ્ટનઃ ટેક્સાસમાં ભારતીય મૂળના અમેરિકન દિનેશ શાહને ૨.૪ કરોડ ડોલરના કોવિડ-૧૯ રિલીફ સ્કીમ કૌભાંડ માટે દોષિત ઠેરવાયો હોવાનું યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસે જણાવ્યું છે. કોર્ટના દસ્તાવેજ અનુસાર ૫૫ વર્ષીય દિનેશ શાહે સ્વીકાર કર્યો છે કે તેણે પે-ચેક પ્રોટેક્શન પ્રોગ્રામ (પીપીપી) લોન હેઠળ ૨.૪૮ કરોડ ડોલરની માગ કરી હતી. આ માટે તેમણે ૧૫ નકલી અરજીઓ કરી હતી. આ તમામ અરજીઓ અલગ અલગ કંપનીઓના નામે કરવામાં આવી હતી.
શાહે પોતાની અરજીઓમાં દાવો કર્યો હતો કે તેની કંપનીઓમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓ નોકરી કરે છે અને તેમને પગાર ચૂકવવામાં હજારો ડોલરનો ખર્ચ થાય છે. હકીકતમાં આ કંપનીઓમાં કોઇ કર્મચારીઓ નોકરી કરતા ન હતાં. કોર્ટના દસ્તાવેજો અનુસાર શાહે વધુમાં સ્વીકાર કર્યો હતો કે તેણે પોતાની અરજીઓ સાથે નકલી પુરાવાઓ પણ રજૂ કર્યા હતાં. જેમાં નકલી ટેક્સ રિટર્ન અને બેંક સ્ટેટમેન્ટનો સમાવેશ થાય છે.
સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે અમેરિકન સરકારે નાના ઉદ્યોગોને મદદ કરવા માટે પે-ચેક પ્રોટેકશન પ્રોગ્રામ (પીપીપી) સ્કીમ રજૂ કરી હતી. શાહે પીપીપી સ્કીમ હેઠળ ૧.૭ કરોડ ડોલર મેળવ્યા હતાં અને આ રકમમાંથી એક વૈભવી કાર અને એકથી વધારે મકાન ખરીદ્યા હતાં તેમ અમેરિકાના ન્યાય વિભાગના ક્રિમિનલ ડિવિઝનના એક્ટિંગ આસિસ્ટન્ટ એટર્ની જનરલ નિકાલસ એલ એમકિડે એક નિવેદનમાં જણાવ્યું હતું. અમેરિકન સરકાર દ્વારા શાહની ૭૨ લાખ ડોલરની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જેમાં વૈભવી કારો અને આઠ મકાન સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter