૨૫ વર્ષે જેલમાંથી નિર્દોષ છૂટકારો, હવે રૂ. ૩૯ કરોડ વળતર મળશે

Friday 26th June 2015 06:12 EDT
 

ન્યૂ યોર્કઃ અમેરિકામાં ૫૩ વર્ષના જોનાથન ફ્લેમિંગે તેનું મોટાભાગનું જીવન જેલમાં ગાળ્યું છે. તે ૨૫ વર્ષ સુધી જેલમાં સબડતો રહ્યો હતો. ગત વર્ષે બ્રુકલિનની કોર્ટે તેને નિર્દોષ છોડ્યો છે. ફ્લોરિડાના ઓરલેન્ડોમાં રહેતા ફ્લેમિંગને ૧૯૮૯માં તેના મિત્ર ડેરિલ રશની હત્યાના કેસમાં દોષિત ઠેરવી જેલ સજા થઇ હતી. હવે ન્યૂ યોર્ક તંત્રએ તેને વળતર પેટે ૬.૨૫ મિલિયન ડોલરઆપવાની તૈયારી બતાવી છે. ન્યૂ યોર્કના સિટી કંટ્રોલરે કહ્યું હતું કે, પુરાવા જોતા સ્પષ્ટ થાય છે કે ફ્લેમિંગ એવા ગુના બદલ અડધું જીવન જેલમાં વિતાવ્યું છે જે ખરેખર તેણે કર્યો નથી. અમે ફ્લેમિંગને તે દિવસો પાછા આપી શકીએ તેમ નથી પરંતુ તેને થયેલા અન્યાયના વળતર પેટે રકમ આપવા તૈયાર છીએ. અંગે ફ્લેમિંગના વકીલ માર્ટી ઈડલમેને કહ્યું હતું કે રકમ તેનું નવું જીવન શરૂ કરવા માટે પૂરતી છે.

કેવી રીતે નિર્દોષ સાબિત થયો

ફ્લેમિંગ પાસે ફ્લોરિડાની એક હોટેલની રસીદ હતી. તે ૧૪ ઓગસ્ટ ૧૯૮૯ના રોજની હતી. તેના પર રાત્રે ૯.૨૭ વાગ્યાનો સમય લખેલો હતો. તેના ચાર કલાક પછી ૧૬૦૦ કિમી દૂર બ્રુકલિનમાં તેના મિત્રની હત્યા થઈ હતી. ૨૫ વર્ષ પછી બ્રુકલિનની કોર્ટે દલીલ સ્વીકારી કે ફ્લોરિડાથી બ્રુકલિન સુધી ૪ કલાકમાં પહોંચવું શક્ય નથી માટે તેણે હત્યા કરી ન હોય.

૧૦ મિનિટ સુધી રડ્યો 

ગત વર્ષે જેલમાંથી છૂટ્યા પછી ફ્લેમિંગે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે મને જેલમાંથી જવા કહેવાયું ત્યારે હું ૧૦ મિનિટ સુધી મારા બેડ પર રોતો રહ્યો હતો. મને ૯૩ ડોલર અને એક કપડું આપીને જેલની બહાર મોકલવાયો હતો. હું એક હોટેલથી બીજી હોટેલ ફરતો રહ્યો. મારા મિત્રો પાસે ગયો અને કામની શોધમાં ઘણો ભટક્યો. દરમિયાન મને લાગ્યું કે હું વળતરનો હકદાર છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter