૪૦૦ અતિ ધનવાન અમેરિકનોમાં જય ચૌધરીએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું

Wednesday 20th October 2021 06:42 EDT
 
 

સાન ફ્રાન્સિસ્કોઃ ફોર્બ્સની ૪૦૦ અતિધનાઢ્ય અમેરિકનોની યાદી પ્રમાણે ZScaler ના સ્થાપક જય ચૌધરી ૧૬.૩ બિલિયન ડોલરની સંપતિ સાથે સૌથી ધનવાન ભારતીય અમેરિકન છે. આ યાદીમાં સાત ભારતીય અમેરિકનો અને એક પાકિસ્તાની અમેરિકને સ્થાન મેળવ્યું હતું. તેમાં એંત્રપ્રિન્યોર અને વેન્ચર કેપિટાલિસ્ટ વિનોદ ખોસલા, ઈન્ટરગ્લોબ એવિએશન્સના સહસ્થાપક રાકેશ ગંગવાલ, સિમ્ફની ટેક્નોલોજી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન રોમેશ વાધવાણી, વેફેરના સહસ્થાપક અને સીઈઓ નીરજ શાહ, વર્કડેના સીઈઓ અને સહસ્થાપક અનીલ ભૂસરી તથા રોબિનહૂડના સહસ્થાપક ૩૬ વર્ષીય બૈજુ ભટ્ટનો સમાવેશ થાય છે. આ યાદીમાં ભટ્ટ સૌથી નાની વયના બિલ્યોનેર છે.
હિમાચલ પ્રદેશના નાના ખેડૂતના પુત્ર જય ચૌધરીએ ૨૦૦૮માં તેમના પત્ની જ્યોતિ સાથે મળીને ક્લાઉડ - બેઝ્ડ સિક્યુરિટી સર્વિસીસના પ્રણેતા તરીકે Zscalerની સ્થાપના કરી હતી અને દસ વર્ષ પછી તેને પબ્લિક કંપની બનાવી હતી.    
ઓટોમોટિવ કંપની ફ્લેક્સ – એન – ગેટના સ્થાપક અને એનએફએલ ટીમ જેક્સનવિલ જગુઆર્સના માલિક પાકિસ્તાની અમેરિકન શાહિદ ખાન ૮.૫ બિલિયન ડોલરની સંપતિ સાથે યાદીમાં ૯૪મા ક્રમે છે.
આ યાદીમાં ૨.૭ બિલિયન ડોલરની સંપતિ ધરાવતા શેરપાલો વેન્ચર્સના સ્થાપક રામ શ્રીરામનો સમાવેશ નથી. યાદીમાં છેલ્લે ૨.૯ બિલિયન ડોલરની સંપતિ ધરાવતા ૧૧ લોકો પછી તેઓ છે. ગયા વર્ષે તેઓ ૨.૩ બિલિયન ડોલરની સંપતિ સાથે ૩૫૯મા ક્રમે હતા. (204)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter