કોલંબસઃ સામાન્ય રીતે એવું સાંભળવામાં આવે કે બાળકો શાળાએ જતાં લંચબોક્સ કે વોટરબેગ ભૂલી જાય, પણ મેક્સિકોમાં રહેતાં કેટલાય બાળકો એવા છે કે રોજ તેઓ મેક્સિકોથી અમેરિકા ભણવા આવે છે અને જો તે પાસપોર્ટ ભૂલી જાય તો તેમને દેશની સરહદે અટકાવી દેવાય છે. મેક્સિકોમાં વસતા ૮૦૦થી વધુ અમેરિકી બાળકોએ દરરોજ પાસપોર્ટ સાથે લઈ જવું પડે છે. પાસપોર્ટ સરહદે ચેક કરવામાં આવે છે. જો બાળક પાસે પાસપોર્ટ નથી તો તે સ્કૂલે નથી જઈ શકતું. ભલે તે અમેરિકી નાગરિક હોય.
ખરેખર અમેરિકી બાળકો મેક્સિકોના પાલોમસમાં રહે છે. પાલોમસ, અમેરિકી શહેર કોલંબસથી સાત કિમી દૂર છે. કોલંબસ, અમેરિકી રાજ્ય ન્યુ મેક્સિકોનો ભાગ છે. ન્યુ મેક્સિકોએ લગભગ ચાર દાયકા પહેલાં તેના નાગરિકોના શિક્ષણ માટે વિશેષ કાયદો બનાવ્યો હતો. કાયદો તેમને પોતાના રાજ્યમાં શિક્ષણની ગેરંટી આપે છે. ભલે તે ગમે ત્યાં રહે. પાલોસમાં રહેતા બાળકો અધિકારને લીધે અમેરિકામાં ભણે છે. વિરોધાભાસ છે કે બાળકો ભલે અમેરિકમાં ભણવાનો અધિકાર ધરાવતાં હોય પરંતુ તેમનાં પેરેન્ટ્સને અમેરિકા જવાની મંજૂરી નથી કેમ કે તેમને અમુક વર્ષ અગાઉ ડિપોર્ટેશન પોલીસી હેઠળ અમેરિકાથી મેક્સિકો મોકલી દેવાયાં હતાં.