‘RRR’ની સફળતામાં વધુ એક છોગુંઃ ‘નાટુ...નાટુ’ ઓસ્કરમાં નોમિનેટ, ‘છેલ્લો શો’ આઉટ

Tuesday 24th January 2023 14:56 EST
 
 

વોશિંગ્ટનઃ ઓસ્કર 2023નાં ફાઇનલ નોમિનેશન્સની મંગળવારે જાહેરાત થઈ ગઈ છે. તેમાં એસ. એસ. રાજામૌલિની બહુ ગાજેલી ફિલ્મ ‘RRR’ના ‘નાટુ...નાટુ’ ગીતને ‘બેસ્ટ ઓરિજિનલ સોંગ’ની કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. થોડા દિવસ પહેલાં ગોલ્ડન ગ્લોબ અવોર્ડમાં પણ નાટુ નાટુ સોંગને બેસ્ટ સોંગનો પુરસ્કાર મળ્યો હતો. જ્યારે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડમાં ‘RRR’ને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ તથા ‘નાટુ...નાટુ’ સોંગને બેસ્ટ સોંગનો અવોર્ડ મળ્યો હતો.
બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી બનેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’નો ઓસ્કરમાં ગજ વાગ્યો નથી. ગુજરાતી ફિલ્મમેકર પાન નલિને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ફાઇનલ પાંચ નોમિનેશનમાં સ્થાન મેળવી શકી નથી. તેનો અર્થ એ થયો કે આ ફિલ્મ હવે ઓસ્કરની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.
ભારતની કુલ 3 ફિલ્મો ઓસ્કરની રેસમાં
RRRના નાટુ નાટુ સોંગ ઉપરાંત બે ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ ઓસ્કરમાં નોમિનેટ થઈ છે. તેમાં ‘ઓલ ધેટ બ્રીધ્સ’ ફિલ્મ ‘બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ’ કેટેગરીમાં અને ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ ‘બેસ્ટ ડોક્યુમેન્ટરી’ શોર્ટ કેટેગરીમાં નોમિનેટ થઈ છે. ‘ઓલ ધેટ બ્રીધ્સ’ ફિલ્મ ‘બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ’ કેટેગરીમાં નોમિનેટ થઈ છે. જ્યારે ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ ‘બેસ્ટ ડોક્યુમેન્ટરી’ શોર્ટ કેટેગરીમાં નોમિનેટ થઈ છે
12 માર્ચે ઓસ્કર સેરિમની યોજાશે
આ વખતના 95મા ઓસ્કર અવોર્ડ્સ માટે વિશ્વભરમાંથી આવેલી 301 ફિલ્મોનું એક લિસ્ટ 9 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. તે તમામ ફિલ્મો માટે 12થી 17 જાન્યુઆરી સુધી નોમિનેશન માટે વોટિંગ થયું હતું. આખરે 24 જાન્યુઆરીએ ફાઇનલ નોમિનેશનનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. હવે 12 માર્ચના રોજ અમેરિકાના લોસ એન્જલસમાં આવેલા વિખ્યાત ‘ડોલ્બી થિયેટર’માં ઓસ્કર અવોર્ડ્સની સેરિમની યોજાશે, ત્યારે ફાઇનલ વિજેતાઓની જાહેરાત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter