ન્યૂ યોર્ક: અમેરિકામાં ભારતીય દંપતી સાથે બનેલી હેટક્રાઇમની ઘટનાએ વિવાદનો વંટોળ સર્જ્યો છે. સોશિયલ મીડિયામાં ફરી રહેલા આ વીડિયોમાં જોવા મળે છે તેમ એક અમેરિકી શખસ ભારતીય યુગલને અપશબ્દો બોલતાં કહે છે કે તમે (અપશબ્દો) ભારતીયો અમેરિકા છોડીને ચાલ્યા જાવ. વીડિયોમાં અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયો પ્રત્યે ભારોભાર ધૃણા દેખાઈ આવે છે. આ ઘટનાથી ભારતીયોમાં ગુસ્સો વ્યાપી રહ્યો છે. વીડિયોમાં પહેલાં ભારતીય યુગલ દેખાય છે તેઓ તેમના કામમાં મગ્ન છે ત્યારે કોઈ પણ ઉશ્કેરણી વિના એક શખ્સ તે યુગલને અપશબ્દો કહેવાનું શરૂ કરે છે. તે સમયે તે તેની કારમાં બેઠેલો દેખાય છે પરંતુ તેનું મોઢું દેખાતું નથી. તે બીજી ગાડીમાં બેઠેલાં ભારતીય યુગલને પૂછપરછ કરવી શરૂ કરે છે તેમાં પહેલાં તો તે સામાન્ય સવાલો પૂછે છે. પછી અપશબ્દો કહેવાનું શરૂ કરે છે. તે પૂછે છે કે તમે ભારતથી આવ્યા છો? શું ભારત અમેરિકા કરતાં વધુ સારૂં છે? તમે અહીં અમેરિકામાં શું કરો છો? ત્યારે તે યુગલ ખૂબ જ શાંતિપૂર્વક જવાબ આપતું દેખાય છે કે અમે દુનિયા એક્સપ્લોર કરવા આવ્યા છીએ આથી તે શખસ ચિડાઈને કહે છે ના, અમે તમને અહીં જોવા માગતા નથી. તમે તમારે ઘરે ચાલ્યા જાવ. (અપશબ્દો) પરંતુ ભારતીય યુગલે જરા પણ ધૈર્ય ગુમાવ્યું નહીં અને શાલીનતાથી જવાબ આપ્યા. આ વીડિયો વાઇરલ થતાં કેટલાક નેટિઝન્સે ેવો પણ પ્રતિભાવ આપ્યો છે કે અમેરિકા જ મૂળ તેમનો દેશ નથી, તેઓ બીજેથી આવીને અહીં વસેલા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા મૂળ તો રેડ ઇન્ડિયન્સનો દેશ છે.


