વોશિંગ્ટન: ‘બેટમેન’ની ભૂમિકા માટે પ્રખ્યાત હોલિવુડ અભિનેતા ક્રિશ્ચિયન બેલ એક નવી પહેલનો આરંભ કર્યો છે. ક્રિશ્ચિયન એક ખાસ પ્રકારનું ગામ બનાવી રહ્યો છે. આ ગામનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે નિરાધાર ભાઈ-બહેનોને સાથે રહેવાની તક મળી શકે.
આ ગામના નિર્માણ અંગે ક્રિશ્ચિયન કહે છે કે 16 વર્ષ પહેલા તેને ખબર પડી હતી કે અમેરિકામાં ફોસ્ટર કેરમાં રહેતા સૌથી વધુ બાળકો લોસ એન્જલસમાં વસવાટ કરે છે. જો ભાઈ-બહેન સાથે મળીને ન રહે તો આ બાળકો ભાવનાત્મક રીતે નબળા પડી જાય છે. જેના પગલે 2022માં બેલે તેની પત્ની સિબી અને મિત્ર ડો. એરિક ઓસ્ટ્રેલિયન સાથે મળીને ટુગેધર કેલિફોર્નિયા નામની સંસ્થા શરૂ કરી અને હવે તેના નેજામાં ફોસ્ટર કેર ગામ બનાવવાનું કામ શરૂ કર્યું.
કિશ્ચિયન બેલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ ગામ 190 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થઇ રહ્યું છે. આ ગામ આ વર્ષ 2025ના અંત સુધીમાં તૈયાર થઈ જશે. આ ગામની સૌથી ખાસ વાત એ છે કે અહીં એક ચિલ્ડ્રન કેર સેન્ટર પણ હશે, અને ત્યાં બાળકોની સંભાળ રાખવા માટે પાલક માતા-પિતા ત્યાં હશે, જેઓ તેમના પ્રેમ-લાગણીનો સહારો બની રહેશે.