અમેરિકાના ફ્લોરિડાના આર.પી. કન્વેન્શન સેન્ટર ખાતે ‘જૈના કન્વેન્શન ૨૦૨૩’નું આયોજન તા.૩૦ જુનથી ૩ જુલાઇ સુધી કરવામાં આવ્યું હતું. જેમાં આધ્યાત્મિક ગુરૂઓ, વૈજ્ઞાનિકો તેમજ પ્રતિષ્ઠિત મહાનુભાવો સહિત ૫૦૦૦ જેટલા જૈન ધર્મપ્રેમીઓની હાજરી હતી. આ કન્વેન્શનનો વિષય ‘જૈન ધર્મ અને વિજ્ઞાન’ હતો. જૈન ધર્મના સિધ્ધાંતો, મૂલ્યો અને પરંપરા આધારિત વૈજ્ઞાનિક સત્યોની રજુઆત કરાઇ હતી.
આ પ્રસંગે જૈન સંતો આચાર્ય ડો. લોકેશજી ( અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક), વિરાયતનના આચાર્ય સાધ્વીશ્રી શીલાપીજી અને સમણીજી જીન પ્રજ્ઞાજીની હાજરી ધ્યાનાકર્ષક રહી. જૈન ફેડરેશન ઓફ નોર્થ અમેરિકા દર બે વર્ષે એક વખત આવા વિરાટ પાયે કન્વેન્શન યોજવાનું સ્તુત્ય કાર્ય કરે છે.
આ પ્રસંગે અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશજીએ “માનવ ક્ષમતાની વૃધ્ધિ કરનાર : જૈન ધર્મ’ વિષય પર સંબોધન કરતા જણાવ્યું કે, ભગવાન મહાવીરના સિધ્ધાંતો અને દર્શન પર આધારિત જૈન ધર્મ વૈજ્ઞાનિક ધર્મ છે. ભગવાન મહાવીર આધ્યાત્મક પુરૂષ સાથે-સાથે મનોવૈજ્ઞાનિક ને વૈજ્ઞાનિક પણ હતા. ભગવાન મહાવીરે પોતાના શરીરને પ્રયોગશાળા બનાવી જ્ઞાન-ધ્યાન અને તપસ્યાના માધ્યમથી સત્યની શોધ કરી અને ૨૬૦૦ વર્ષ પૂર્વે જણાવ્યું હતું કે, આપણે જે બોલીએ છીએ એ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે. વનસ્પતિમાં પણ આપણી જેમ જીવ છે. આહાર અને આધ્યાત્મનો સંબંધ ઊંડો છે. જૈન ધર્મના માધ્યમથી વર્તમાનની અનેક વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન શક્ય છે.’
વધુમાં જણાવ્યું કે, ‘ જન્મ એક નિયતિ છે. પરંતુ જીવન કેવી રીતે જીવવું એ આપણા વિવેક અને પરૂષાર્થ પર નિર્ભર રહે છે. એક વ્યક્તિ હેતુ વર્ગનું જીવન જીવે છે. પોતાની જરૂરત પૂરી કરે છે અને સંસાર ચલાવ્યે રાખે છે. જ્યારે બીજી વ્યક્તિ સકારાત્મક વિચાર સરણી સાથે હેતુપૂર્ણ જીવન જીવે છે. અને સંસાર તેમજ સમાજને ઘણું બધું આપતો જાય છે. એના। ગયા પછી પણ સંસાર-સમાજ સદીઓ સુધી એને યાદ કરે છે. જૈન જીવન શૈલી આપણને સ્વસ્થ, સુખી અને આનંદમય જીવનનો મૂળ મંત્ર પ્રદાન કરે છે.’
આ પ્રસંગે મુંબઇ સ્થિત શ્રી અજયભાઇ શેઠ અને એમના ધર્મપત્ની બીનાબહેન શેઠ ખાસ આ કન્વેન્શનમાં હાજરી આપવા અમેરિકા ગયા હતા.તેઓને ‘પ્રેસિડેન્શીયલ એવોર્ડ ઓફ જૈના’થી નવાજ્યાં હતાં. શેઠ દંપતિ
અમેરિકા જતા વચમાં લંડન રોકાયાં હતાં. ત્યારે એમની સાથે મુલાકાત થઇ હતી.
તેઓ ક્વેસ્ટ ફાઉન્ડેશનના સ્થાપક છે. તેમનું ચેરિટી ફાઉન્ડેશન કોમ્યુનિટીસની સુખાકારી માટે વિશાળ પાયે ચેરિટી વર્ક કરે છે. મુખ્યત્વે હોસ્પીટલ, શિક્ષણ અને ઓછી આવકવાળાને આર્થિક સહાય કરે છે. એમના ફાઉન્ડેશને આજ સુધીમાં લગભગ ૧૨૫ કરોડ રૂપિયાનું દાન કરેલ છે. તેઓશ્રી તેમના ગુરૂ મા સ્વામિ અને પાંચ મુનિઓના આશીર્વાદથી સેવા-સાધના દ્વારા સત+ચિત્+ આનંદની પ્રાપ્તિ કરી સંતોષ માની રહ્યાં છે. તેઓ જૈન સમાજનું લોકપ્રિય ત્રિભાષી માસિક પત્ર ‘શાસન પ્રગતિ’ પ્રસિધ્ધ કરી રહ્યા છે. દર વખતે એક વિષય લક્ષી મેગેઝીન બહાર પાડી રહ્યા છે.
રોકાણ દરમિયાન અત્રેના ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીના ચેરમેન શ્રી નેમુભાઇ અને શ્રીમતી મીનાબહેન એમના યજમાન બની શનિવાર ૨૪ જૂને જૈન નેટવર્કના નવા આકાર લઇ રહેલ સેન્ટની કોલીન્ડલની મુલાકાતે આવ્યા હતા અને તેઓના માનમાં નેટવર્કના ટ્રસ્ટીઓએ એમને સેન્ટર વિષયક માહિતીથી વાકેફ કર્યા ત્યારે તેઓ પ્રભાવિત થયા હતા. ટ્રસ્ટીઓ દ્વારા જ્યારે એમનું બહુમાન કરવામાં આવ્યું ત્યારે એનો વિવેકપૂર્ણ ઇન્કાર કરી જણાવ્યું કે, આવા બહુમાન ન સ્વીકારવાની એમની બાધા છે. નહિ તો મનમાં અહંકાર કે અહંમ્ આવી જાય. સાચા અર્થમાં એમણે જૈન સિધ્ધાંતોનું અનુસરણ કર્યું છે.
અંત્રે એ ઉલ્લેખનીય છે કે, જૈનાના ૭૦ સેન્ટરો અમેરિકામાં કાર્યરત છે અને લગભગ ૧૫,૦૦૦ જૈનો એના સભ્યો છે. જૈના અધ્યક્ષ શ્રી હરેશ શાહ, સંયોજક શ્રી બિંદેશ શાહ તેમજ બોર્ડ
સભ્યોના અથાક્ પરિશ્રમથી આ કન્વેન્શન સફળતાને વર્યું હતું. એના સહભાગી સૌ કોઇ અભિનંદનના અધિકારી છે.