‘લાઇવ નેશન’ નાઈટ ક્લબ્સમાંથી હિંદુ -બૌદ્ધ - જૈન પ્રતિમાઓ હટાવવા માગ

Friday 03rd July 2020 08:14 EDT
 
શિકાગોસ્થિત ફાઉન્ડેશન રૂમમાં આવેલ ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાના ખોળામાં માસ્ક મૂકાયો છે.
હ્યુસ્ટનમાં ફાઉન્ડેશન રૂમમાં ભગવાન ગણેશની પ્રતિમા આગળ વાઇન ગ્લાસ મૂકાયો હતો.
 

લોસ એન્જલસઃ કેલિફોર્નિયાસ્થિત બીવરલી હિલ્સ ખાતે વડું મથક ધરાવનાર લાઇવ નેશનલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા અમેરિકાના આઠ મોટા શહેરોમાં આવેલી તેની ફાઉન્ડેશન રૂમ નાઇટ ક્લબોમાંથી હિંદુ, બૌદ્ધ, જૈન ધર્મની પ્રતિમાઓ દૂર કરવા ખ્રિસ્તી, હિન્દુ, બૌદ્ધ, જૈન, અને યહૂદી સંપ્રદાયોના ધાર્મિક નેતાઓએ રજુઆત કરી છે.
યુનિવર્સિલ સોસાયટી ઓફ હિન્દુઇઝમના પ્રેસિડેન્ટ રાજેન ઝેડ, ગ્રીક ઓર્થોડોક્સ પ્રિસ્ટ સ્ટીફન આર. કરચેર, બૌદ્ધ પ્રિસ્ટ મેથ્યુ ટી. ફિશર, જાણીતા યહૂદી રબ્બી એલિઝાબેથ વેબ બેયર અને જાણીતા જૈન ધાર્મિક અગ્રણી નેતા સુલેખ સી. જૈન દ્વારા સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે નાઇટ ક્લબ જેવા સ્થળે હિંદુ, બૌદ્ધ, અને જૈન ધર્મના પ્રતિકસમાન ચિહ્નો કે પ્રતિમાઓને કારણે ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. ધાર્મિક અગ્રણીઓએ નાઇટ ક્લબના સંચાલકો દ્વારા દેવી-દેવતાઓની પ્રતિમાઓ તાત્કાલિક હટાવવા માગણી કરવા સાથે સ્પષ્ટ કર્યું હતું કે હિંદુ-બૌદ્ધ-જૈન સમુદાયની લાગણી દુભાય તેવી પ્રવૃત્તિઓને સાંખી લેવામાં નહિ આવે.
હિન્દુ ધાર્મિક અગ્રણી રાજન ઝેડે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશ, શિવ ભગવાન, ભગવાન રામ, ભગવાન હનુમાન, દેવી દુર્ગા, સરસ્વતી, પાર્વતી, અને સીતા સહિતનાં દેવીદેવતાનું સર્વોચ્ચ સ્થાન છે. મંદિરોમાં તેમની પૂજા-અર્ચના થાય છે. આવા પૂજનીય દેવી-દેવતાઓના ચિહ્નો કે પ્રતિમાઓ નાઇટ ક્લબ જેવાં સ્થળે જોવા મળે તે અશોભનીય છે. સુલેખ સી. જૈને જણાવ્યું હતું કે ભગવાન મહાવીરની પ્રતિમાનું સ્થાન મંદિરમાં છે તેમની પ્રતિમા નાઇટ કલબ જેવાં સ્થળે જોવા મળે તે દુઃખની બાબત છે. તેમણે માંગણી કરી હતી કે લાઇવ નેશન એન્ટરટેઇનમેન્ટ દ્વારા આ પ્રતિમાઓને અમેરિકામાં આવેલા જૈન મંદિરોને દાન કરી દેવી જોઇએ. જૈન સમુદાય તે માટેનો ખર્ચ ભોગવવા પણ તૈયાર છે. લાઇવ નેશનલ એન્ટરટેઇનમેન્ટ નેટવર્કના ભાગ હાઉસ ઓફ બ્લ્યૂઝની ફાઉન્ડેશન રૂમ નાઇટ ક્લબ લાસ વેગાસ, બોસ્ટન, શિકાગો, ક્લેવલેન્ડ, ડલાસ, એનહેઇમ, હ્યુસ્ટન અને ન્યુ ઓર્લિયન્સ ખાતે હાજરી ધરાવે છે.
(બન્ને તસવીરો ફાઉન્ડેશન રૂમના ફેસબુક પેજથી લેવામાં આવી છે)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter