મોસ્કોઃ આશરે 50 હજાર વર્ષ કરતાં વધુ વર્ષોથી બરફ તળે દટાયેલા બેબી મેમથનો સહીસલામત મળી આવેલો મૃતદેહ દુનિયાભરની નજરનું કેન્દ્ર બન્યો છે. હાથીના મદનિયા જેવા દેખાતા આ બેબી મેમથની તસવીરો સોશિયલ મીડિયા પર બહુ વાઇરલ થઇ છે. વૈજ્ઞાનિકોએ આ બેબી મેમથને ‘યાના’ નામ આપ્યું છે. નિષ્ણાતોને આશા છે કે આ બેબી મેમથના અવશેષોના અભ્યાસના આધારે હિમયુગ અંગે મહત્ત્વની જાણકારી મળી શકે છે.
હાથીના પૂર્વજ મનાતા મેમથ હિમયુગમાં રહેતા હતા. હવે તે ધરતી પરથી સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયેલી પ્રજાતિ છે. એક નોલેજ મેગેઝિન દ્વારા સોશિયલ મીડિયા પર ‘યાના’ની તસવીર પોસ્ટ કરીને જણાવાયું છે કે રશિયાના સાઇબિરિયાના થીજી ગયેલા બરફ (Permafrost)માં બેબી મેમથનો મૃતદેહ સહીસલામત મળ્યો છે. મૃત્યુ સમયે તેની વય એકાદ વર્ષની હોવાનું મનાય છે. તેનું મસ્તક, સૂંઢ, કાન અને મોંઢું એકદમ સ્પષ્ટ દેખાય છે.
નિષ્ણાતો કહે છે કે હાથીના મદનિયા જેવું દેખાતું ‘યાના’ ખરેખર તો સાઇબેરિયાના બરફમાંથી મળી આવેલ એક અત્યંત વિશિષ્ટ અને અદ્ભુત રીતે સુરક્ષિત બેબી વૂલી મેમથ (Woolly Mammoth)નું શબ છે. વિજ્ઞાન જગતમાં આ શોધ ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે. આ બેબી મેમથ સાઇબેરિયાના યાકુતિયા પ્રદેશમાં આવેલા વિશ્વના સૌથી મોટા પરમાફ્રોસ્ટ ક્રેટર બટાગાયકા (Batagaika Crater) નજીક યાના નદીના બેસિનમાંથી મળી આવ્યું હોવાથી તેનું નામ ‘યાના રખાયું છે.
વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ આ મેમથ અંદાજે 50,000થી 1,30,000 વર્ષ જૂનું છે. તેનું વજન 100 કિલોથી વધુ, ઊંચાઈ લગભગ 4 ફૂટ અને લંબાઈ 6.5 ફૂટ છે. હજારો વર્ષો સુધી બરફમાં દટાયેલાં રહેવા છતાં તેનું શરીર આશ્ચર્યજનક રીતે સુરક્ષિત રહ્યું છે. તેના માથાનો ભાગ, ત્વચા, સોનેરી-લાલ વાળ અને સૂંઢ હજુ પણ સુરક્ષિત છે. વૈજ્ઞાનિકોના મતે તે કોઈ કાદવ કે દલદલમાં ફસાઈ ગયું હશે અને ત્યારબાદ ત્યાં બરફ જામી જતાં તેનું શરીર સડતું બચી ગયું હશે.


