500માંથી 1 પુરુષમાં વધારાનું સેક્સ ક્રોમોઝમઃ આરોગ્ય માટે વધુ જોખમકારી

Wednesday 22nd June 2022 02:58 EDT
 
 

લંડનઃ સ્ત્રી અને પુરુષોમાં સેક્સનું બંધારણ નિશ્ચિત કરતી બે ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્રની જોડી હોય છે. સ્ત્રીમાં XX અને પુરુષમાં XY રંગસૂત્ર હોય છે. મોટા ભાગના પુરુષોમાં એક X અને એક Y ક્રોમોઝોમ હોય છે પરંતુ, કેટલાક પુરુષો XXY અથવા XYY ક્રોમોઝોમ સાથે જન્મે છે. નવા અભ્યાસ મુજબ 500માંથી એક પુરુષ વધારાનો ક્રોમોઝોમ ધરાવે છે. આ વધારાના ક્રોમોઝોમ ધરાવતા પુરુષોને આરોગ્ય સંબંધિત સમસ્યાનું જોખમ વધુ રહે છે.

યુકેની UK Biobank સંસ્થા સાથે નોંધાયેલા 207,067 પુરુષો પરનો અભ્યાસ દર્શાવે છે કે સામાન્ય વસ્તીમાં આશરે 500માંથી 1 પુરુષ વધારાનું X અથવા Y રંગસૂત્ર ધરાવે છે. અગાઉના સંશોધન કરતાં આ સંખ્યા બમણી છે. ‘જિનેટિક્સ ઈન મેડિસીન’માં પ્રકાશિત અભ્યાસ મુજબ XXY ક્રોમોઝોમ માટે માત્ર 23 ટકા અને XYY ક્રોમોઝોમ માટે માત્ર 0.7 ટકાને જ વધારાના ક્રોમોઝોમના નિદાનની જાણ હતી.

યુનિવર્સિટી ઓફ એક્સટર સાથે મળી કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા યુરોપીય વંશના 40થી 70 વયજૂથના પુરુષોના જિનેટિક ટેસ્ટિંગના અભ્યાસ મુજબ 231 પુરુષમાં વધારાનું X અને 143પુરુષમાં વધારાનું Y રંગસૂત્ર જોવાં મળ્યું હતું. એટલે કે આ પુરુષોમાં બેના બદલે ત્રણ સેક્સ ક્રોમોઝોમ XXY અથવા XYY હતા. વધારાનો ક્રોમોઝોમ ધરાવતા પુરુષોને ટાઈપ-ટુ ડાયાબિટીસ, બ્લોક્ડ રક્તવાહિનીઓ અને ફેફસાં સંબંધિત ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) સહિતની ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધારે હોય છે તેમ સંશોધકોએ જણાવ્યું હતું.

અગાઉના સંશોધનમાં દર્શાવાયું હતું કે 1,000માંથી 1 સ્ત્રીમાં વધારાનું X ક્રોમોઝોમ હોય છે જેના પરિણામે, જન્મજાત ખામી, વિલંબિત ભાષાકીય વિકાસ, પુખ્તાવસ્થા સુધી ઝડપી વૃદ્ધિ અને પર્સનાલિટી ડિસઓર્ડરનું જોખમ રહે છે. પુરુષોમાં વધારાના રંગસૂત્રથી ફર્ટિલિટીને વિપરીત અસર, વિલંબિત પુખ્તાવસ્થા સહિતની સમસ્યા સર્જાય છે. જોકે, XYYપુરુષો વધુ ઊંચાઈ ધરાવે છે પરંતુ, તેમની પ્રજનનક્ષમતા સામાન્ય રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter