ઓટાવાઃ કેનેડિયન બિલ્ડર્સ જોએલ જર્મન અને ડેવિડ સૌલનિયરે પ્લાસ્ટિકના કચરામાંથી આલીશાન ઘર બનાવવાની કમાલ કરી બતાવી છે. આ જુગલ જોડીએ લોકોએ ફેંકી દીધેલી આશરે 6,12,000 પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરી 2000 સ્ક્વેર ફૂટનું ઇકો-ફ્રેન્ડલી ઘર તૈયાર કર્યું છે.
આ ઘર બનાવવા માટે તેમણે ઓન્ટારિયોની એક કંપનીની મદદથી પ્લાસ્ટિકની બોટલોને ઓગાળીને ખાસ ટેકનિક દ્વારા ‘પીઈટી ફોમ’ તૈયાર કર્યું હતું, જેમાંથી ઘરની દીવાલો અને છતના પેનલ બનાવવામાં આવ્યા છે. આ ઘર માત્ર પર્યાવરણ માટે જ અનુકૂળ છે એવું નથી, પરંતુ અત્યંત મજબૂત પણ છે. તમને જાણીને નવાઇ લાગશે કે વિન્ડ-ટનલ ટેસ્ટ દરમિયાન તેના પેનલે 524 કિલોમીટર પ્રતિ કલાક (326 માઈલ પ્રતિ કલાક)ની ઝડપે ફૂંકાતા તોફાની પવનોને પણ સરળતાથી ઝીલી લીધા હતા, જે કેટેગરી 5ના વાવાઝોડા કરતાં પણ બમણી ઝડપ છે.


