ઓન્ટારિયોઃ તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં એક એવો પણ જીવ વસે છે જેની આંખો મોઢાંની અંદર છે. સાંભળવામાં કદાચ જરૂર અજીબ લાગશે પરંતુ આ હકીકત છે. ક્યારેક ક્યારેક પ્રકૃતિ એવી રહસ્યમયી વસ્તુઓ દુનિયાની નજર સમક્ષ લાવે કે તેના વિશે જાણતાં જ આંખો આશ્ચર્યથી પહોળી થઇ જાય. કંઇક આવું જ કેનેડામાં બન્યું. જ્યાં એક છોકરીને એવો દેડકો મળ્યો જેની આંખો માથા પર નહીં, પરંતુ તેના મોઢાની અંદર હતી! પહેલી નજરમાં તો સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આ કોઇ અફવા નથી. પરંતુ વિજ્ઞાન દ્વારા પ્રમાણિત સત્યતા છે.
કેનેડાના ઓન્ટારિયોમાં બર્લિંગ્ટનની રહેનારી એક હાઇસ્કૂલની વિદ્યાર્થીનિ વિદ્યાર્થિની ડીડ્રે પોતાના યાર્ડમાં રમી રહી હતી. ત્યારે તેણે એક અજીબોગરીબ ફ્રોગ જોયો. પહેલી નજરે તો એવું લાગે કે દેડકો આંખો બંધ કરીને બેઠો છે, પરંતુ જેવું તેણે મોઢું ખોલ્યું ને ડીડ્રેએ જોયું તેના મોંમાંથી જોરથી ચીસ નીકળી ગઇ. તેના મોઢાંની અંદર, તાળવા પર બે ચમકદાર આંખો ચકળવકળ ચારેતરફ જોઇ રહી હતી. ડીડ્રેને લાગ્યું કદાચ તેણે કોઇ બીજો જીવ ગળી લીધો હશે, પરંતુ તેણે ધારીને જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે આ દેડકાની તેની પોતાની જ આંખો છે.
ગોલમ નામ આપ્યું આ અજીબ જીવનું
ડીડ્રેએ આ દેડકાંને બહુ જાણીતી ફિલ્મ ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ના કેરેકટર ગોલમનું નામ આપ્યું છે, જે અંધારામાં રહેતો હતો. ડીડ્રેએ આ અનોખા જીવના ફોટોઝ પણ લીધા અને ત્યાનાં સ્થાનિક મીડિયા ચેનલ્સ અને અખબારોમાં પણ આપ્યા. જ્યારે તેણે આ ફોટોઝ આપ્યા ત્યારે પહેલાં તો લોકો તેને મજાક સમજવા લાગ્યા પરંતુ થોડાક સમયમાં તે તે રેડિયો, અખબાર, ચેનલ્સમાં પણ વાયરલ થઇ ગયા હતા. એક દેડકો જે જોવામાં બિલ્કુલ સામાન્ય હતો, પરંતુ મોઢું ખોલતાં જ તે એક હોરર મૂવી જેવું દૃશ્ય સામે આવ્યું હતું.


