બેઇજિંગઃ ચીનના લિયાઓનિંગ પ્રાંતના 52 વર્ષીય બાઈ જિયાન વ્યવસાયે ભલે પીટી ટીચર તરીકે ફરજ બજાવતા હોય પરંતુ, સમાજની નજરે તેઓ એક ‘દેવદૂત’ સમાન છે. છેલ્લા ત્રણ દાયકાથી તેઓ એવા નિરાધાર બાળકોનો સહારો બન્યા છે. લોકો તેમને આદર અને પ્રેમથી ‘સુપર ડેડ’ના નામે ઓળખે છે. છે.
સ્થાનિક દૈનિક ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ના અહેવાલ મુજબ બાઈ જિયાને અત્યાર સુધીમાં અંદાજે 300 અનાથ બાળકોને દત્તક લઈને તેમને નવું જીવન આપ્યું છે. તેમના ભાડાના મકાન ‘ડ્રીમ હોમ’માં 20થી 30 બાળકો એકસાથે પરિવારની જેમ રહે છે. આ સફર 1995માં શરૂ થઈ હતી, જ્યારે એક ભૂખ્યા વિદ્યાર્થીની મદદ કરી અને તેણે ભાવુક થઈને તેમને ‘પાપા’ તરીકે સંબોધન કર્યું. બસ, આ એક શબ્દ તેમના જીવનનો મંત્ર બની ગયો. કારમી ગરીબીમાં ઉછરેલા બાઈ જિયાન જાણે છે કે રમતગમત જ ગરીબ બાળકની સફળતાની ચાવી છે. તેમના ‘ડ્રીમ હોમ’માં શિસ્તના નિયમો અત્યંત કડક છે.
કડકડતી ઠંડી હોય કે ધોધમાર વરસાદ, સવારે 4:30 વાગ્યે તમામ બાળકો મેદાનમાં હાજર થઈ જાય છે. અહીં દરેક બાળક રોજ 12 કિલોમીટરની દોડ લગાવે છે. બાઈનું સ્પષ્ટ માનવું છે કે રમતના મેદાનમાં ભલામણ નહીં, માત્ર પરસેવો અને મહેનત જ રંગ લાવે છે. બાઈની આ કઠોર તાલીમનું પરિણામ આજે દુનિયાની નજર સમક્ષ છે. તેમના માર્ગદર્શન હેઠળ ઉછરેલા બાળકોએ અત્યાર સુધીમાં 1300થી વધુ મેડલ્સ જીત્યા છે. આજે આ બાળકોમાંથી કોઈ ચીનની સેનામાં ઓફિસર તરીકે ફરજ બજાવે છે, તો કોઈ વળી મોટી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે.


