અલીરાજપુરની મહામૂલી નૂરજહાં કેરી

Sunday 14th June 2026 06:02 EDT
 
 

અલીરાજપુર: ઉનાળો મધ્યાન્હે છે ત્યારે મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાની નૂરજહાં કેરી ફરી એકવાર સમાચારમાં છે. આ સ્વાદિષ્ટ કેરી તૈયાર થવાના આરે હોવાનું જાણવા મળતાં જ ગ્રાહકોએ તેનું એડવાન્સ બુકિંગ કરાવવા પડાપડી કરી રહ્યા છે. આ કેરી તેનું એકદમ મોટું કદ, દુર્લભતા અને વિશેષ સ્વાદને કારણે સ્થાનિક બજાર જ નહીં અન્ય રાજ્યોમાં પણ અત્યંત લોકપ્રિય છે.
નૂરજહાં કેરી અલીરાજપુરના કટ્ટીવાડા ક્ષેત્રમાં ઉગે છે જ્યાં તેના વૃક્ષ બહુ જ ઓછી સંખ્યામાં છે. સોશિયલ મીડિયામાં તેની ચર્ચા થતી હોવાથી દૂર-દૂરથી લોકો તેને જોવા-ખરીદવા આવે છે. આ કેરીની સૌથી મોટી ખાસિયત તેનું વજન છે. એક નૂરજહાં કેરીનું વજન અડધા કિલોથી લઈને સાડા ત્રણ કિલો સુધી હોઈ શકે છે અને તેના કદના આધારે કિંમત નક્કી થાય છે. એક કેરીની કિંમત પાંચસો રૂપિયાથી લઈને સાડા ત્રણ હજાર સુધી પહોંચી શકે છે અને તેનું વેચાણ નંગદીઠ થાય છે. નૂરજહાં કેરી મર્યાદિત સંખ્યામાં ઉગતી હોવાથી તેને મેળવવા આગોતરો ઓર્ડર આપવો પડે છે. સારી ઉપજ વેળા એક વૃક્ષ ઉપર 150થી 200 ફળ લાગે છે. વળી, આ કેરી અન્ય વેરાયટીની સરખામણીએ વિલંબથી પાકે છે અને ચોમાસાના આગમન પછી પૂરી તૈયાર થાય છે. એવું મનાય છે કે તેના રોપા અને બીજ અફઘાનિસ્તાનથી લવાયા હતા તેમજ મોગલકાળમાં તે શાહી બગીચાઓની પ્રથમ પસંદ હતી. આમ નૂરજહાં કેરી વિરાસત અને અનોખા સ્વાદનું પ્રતીક બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter