કોફીનો ઉદ્ભવ આધુનિક માનવથી પણ પહેલા થયો!

Tuesday 23rd April 2024 01:59 EDT
 
 

મોટા ભાગના લોકોને સવારમાં કોફી અથવા ચા પીવાની આદત પડી હોય છે જેના વિના ચાલતું નથી. કોફી પીવાના શોખીનો કોફી પીએ છે ખરાં પરંતુ, કોફીના ઉદ્ભવ વિશે તેમને જરા પણ જાણકારી હોતી નથી. નવા વૈજ્ઞાનિક સંશોધને કોફીના ઉદ્ભવ વિશે અત્યાર સુધી પ્રચલિત થિઅરીઓ કે માન્યતાઓને ખોટી ઠરાવી છે. હાલ વિશ્વભરમાં કોફીનું ઉત્પાદન થાય છે તેમાંથી 60 ટકા ઉત્પાદન કોફેઆ અરેબિકા (Coffea arabica) છોડ થકી થાય છે. કોફેઆ અરેબિકા પ્લાન્ટ 600,000 વર્ષથી વધુ સમય પહેલાથી અથવા તો આધુનિક મનુષ્યના અસ્તિત્વના 300,000 વર્ષ પહેલાથી આપણી પૃથ્વી પર છે.

લાખો વર્ષ પહેલા પ્રારંભિક ખેડૂતો દ્વારા કોફીનો ઉછેર કરાયો હોવાની માન્યતાનો અહીં છેદ ઉડી જાય છે કારણકે કોફેઆ અરેબિકાનો ઉદ્ભવ વાસ્તવમાં બે પેરન્ટ સ્પીસીઝ – જાત કોફેઆ કેનેફોરા (Coffea canephora) અને કોફેઆ યુજેનીઓઈડેસ (Coffea eugenioides)ના કુદરતી ફલિનીકરણ દ્વારા થયો હતો.

‘નેચર જિનેટિક્સ’માં પ્રસિદ્ધ સંશોધનનો અર્થ એ છે કે માનવી દ્વારા તેનું ક્રોસબ્રીડિંગ કરાયું ન હતું. આ પછી તો કોફીની અનેક પેઢીઓ અને જાતો વિકસતી ગઈ અને છેલ્લી જાત અથવા કોફીની 29,000મી પેઢી એટલે કે 610,000 વર્ષ અગાઉ તેનું અસ્તિત્વ ઉદ્ભવ્યું હોવાનું સંશોધનો જણાવે છે.

દંતકથાઓ અનુસાર આશરે હજાર વર્ષ પહેલા ઈથિઓપિયાના ભરવાડને તેની બકરીઓ લાલચટ્ટક રંગની બેરીઝ ખાધા પછી તોફાની થતી હોવાનું નજરમાં આવ્યું હતું. તેણે નશો લાવતા આ ફળ એક સાધુને આપ્યા અને સાધુએ તેને આગમાં નાખતા શેકાયેલા દાણાની કડક સુગંધ ચોતરફ ફેલાઈ ગઈ જેણે સાધુનું મગજ પણ ફેરવી નાખ્યું. શેકાયેલા દાણા પાણીમાં નંખાયા અને વિશ્વમાં કોફી હાઉસીસના પગરણ મંડાયા હતા જ્યાં બૌદ્ધિક ચર્ચાઓએ જન્મ લીધો હતો. કોફીના છોડ ઈથિઓપિયામાં ઉછર્યા પરંતુ, આફ્રિકા અને યેમેનને અલગ પાડતી ખાડી બાબ અલ-માન્ડાબ નજીક પણ તેની જાતો મળી હતી. યેમેનમાં આશરે 15મી સદીમાં કોફીની ખેતી શરૂ કરાઈ હોવાનું મનાય છે. અન્ય દંતકથા અનુસાર 17મી સદીમાં ભારતીય સાધુ બાબા બુદાન યેમેનના મોકા બંદરેથી કોફીના સાત કાચા દાણા ભારત લાવ્યા હતા અને ભારતમાં પણ કોફીનો પગપેસારો થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter